(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૩
મોડાસા તાલુકાના જાલિયા ગામે હર્ષદ રમણભાઈ રાવળ નામનો સગીર તળાવમાં ડૂબી મોત નિપજતા વિધવા માતાનો એકનો એક પુત્ર છીનવાતા ઘરનો કુળ દિપક બુજાતા ભારે આક્રંદ મૂકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.
ગુરૂવારે બપોરે જાલિયા ગામના ૧૦થી ૧૨ મિત્રો વાગોદરા ગામ નજીક ડુંગર વચ્ચે આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. જેમાં બોલુન્દ્રા હાઈસ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરતો હર્ષદ રમણભાઈ રાવળ નામનો સગીર તળાવમાં ગરકાવ થઈ જતા અન્ય યુવકોમાં બુમરાણ મચી હતી. હર્ષદ ડૂબી જતા તમામ યુવકો ગભરાઈ ગયા હતા અને બીકના માર્યા કોઈને પણ જાણ કરી ન હતી. સાંજ પડતા વિધવા માતા પુત્રને શોધવા નીકળતા હર્ષદના મિત્રએ સમગ્ર ઘટના અંગે જાણ કરતા ભારે ચકચાર મચી હતી. તાબડતોડ રાત્રીના અંધારામાં મોટી સંખ્યામાં સ્થાનિક તરવૈયાઓ સાથે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. સગીર તળાવમાં ડૂબતા ભિલોડા ટીડીઓ સહીત કર્મચારીઓ અને પોલીસતંત્ર પણ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાને જાણ કરતા તળાવમાં પહોંચી ૬ કલાકની ભારે જહેમત બાદ સગીરની લાશ શોધી કાઢી હતી. પોલીસે મૃતક સગીરની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.