અમદાવાદનું લાલ દરવાજા બજાર ખરીદી માટે પ્રખ્યાત છે. તેમાં પણ તહેવારોના દિવસોમાં ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. એ જ રીતે છેલ્લા કેટલાક દિવસોથી અહીં ખરીદી માટે ભારે ભીડ જામે છે. આ દરમિયાન લોકો કોરોના અંગે સરકારની માર્ગદર્શિકાનું બિલકુલ પાલન ન કરતા હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું છે. એટલે કે લોકો ખરીદીમાં નિયમો ભૂલી ગયા છે. તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ માર્કેટમાં ભીડ વધી રહી છે. ભીડના દૃશ્યો જોઈને તંત્ર આખરે જાગ્યું છે. હાલ લાલ દરવાજા માર્કેટ આવતા લોકોનું થર્મલ ગનથી સ્કેનિંગ શરૂ થયું છે. બજારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કેનિંગ બાદ જ લોકોને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આથી અહીં ખરીદી કરવા આવતા લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. બીજું કે જો થર્મલ ગનમાં નિયમ મુજબનુ તાપમાન આવે તો જ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવે છે. જો તેનાથી વધારે તાપમાન હોય તો તેમને પ્રવેશ અપાતો નથી. જોકે, વેપારીઓનું કહેવું છે કે આ માત્ર દેખાવ માટેની ભીડ છે, માર્કેટમાં ૫૦ ટકા મંદી છે. ભીડમાં દેખાતા બધા લોકો ખરીદી માટે નથી આવતા. વેપારીઓના કહેવા પ્રમાણે એક વ્યક્તિ ખરીદી કરવા આવે છે અને સાથે બે ત્રણ લોકો આવે છે, એટલે ભીડ લાગે છે. પ્રસ્તુત તસવીરમાં બજારમાં પ્રવેશ લેવા થર્મલ સ્કેનિંગ કરાવવા લોકોની લાઈન લાગી હતી તે જોઈ શકાય છે.