(એજન્સી) તા.ર૧
ભીમા કોરેગાંવ હિંસાની યાદગીરીમાં ૧ જાન્યુઆરીના રોજ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતુંં. જેમાં સામેલ થનારા કેટલાક સંભવિત કાર્યકર્તાઓ અને વકીલોની પૂણે પોલીસે શોધખોળ શરુ કરી દીધી છે. આ મામલે પૂણેની પોલીસ પાંચ સ્થળોએ દરોડા પાડી શોધખોળ અભિયાન ચલાવી ચૂકી છે. આ કાર્યકર્તાઓમાં રોના વિલ્સન (દિલ્હી) અને વકીલ સુરેન્દ્ર ગાડલિંગ(નાગપુર) પણ સામેલ છે. જોકે સ્થાનિક સુધીર ધાવલે અને હર્ષાલી પોત્દાર, જ્યોતિ જગતાપ અને રમેશ ગાઇચોર અને ધાવલે ડાંગલેને પકડી પાડવા માટે પૂણેની પોલીસ શોધખોળ અભિયાન ચલાવી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુંં કે ૧ જાન્યુઆરીના રોજ કથિતરૂપે આયોજિત એલ્ગાર માર્ચમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કબીર કલામંચની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. એક જાન્યુઆરીએ આ એલ્ગાર માર્ચનું આયોજન કરાયું હતુંં. ભીમા કોરેગાંવ હિંસાની યાદગીરીના અવસરે જ આ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમારી પાસે એવા અનેક પુરાવાઓ છે જે સાબિત કરે છે કે આ હિંસા સાથે કેટલાક માઓવાદીઓ સંકળાયેલા હતા. એટલા માટે જ મંગળવારે અમે વધારે શોધખોળ અભિયાન ચલાવીને નવા પુરાવા એકઠા કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂણેની પોલીસના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પ્રવીણ મુન્ડે અને તપાસ અધિકારી શિવાજી પવારના નેતૃત્વ હેઠળ દિલ્હીમાં વિલ્સનના ઘરની તપાસ કરવામાં આવી હતી જ્યારે પૂણેના આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ ગણેશ ગાવડે અને નાગપુર ડીસીપી સુરેશ બાવચેએ નાગપુરમાં ગાડલિંગના ઘરની તપાસ કરી હતી. ગાડલિંગ માઓવાદીઓના કેસ લડી ચૂક્યા છે. જેમાં જીએન સાઇબાબાનો પણ સમાવેશ થાય છે જે પોલીસની રડારમાં છે. વિલ્સન પણ પોલીસ રેકોર્ડમાં માઓવાદીઓની યાદીમાં સામેલ છે.