(એજન્સી) મુંબઈ, તા.૧૬
ભીમા કોરેગાંવ હિંસામાં આરોપી મિલિન્દ એકબોટેની ધરપકડ બાદ સંભાજી ભીડેની ધરપકડ કરવાનું રાજ્ય સરકાર પર દબાણ વધી રહ્યું છે. ગુરૂવારે ભારતીય બહુજન મહાસંઘ (બીબીએમ) અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે સંભાજી ભીડેની ર૬ માર્ચ સુધી ધરપકડ કરવા માગણી કરી છે અને ધરપકડ નહીં થાય તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. એક કોન્ફરન્સમાં આંબેડકરે જણાવ્યું કે, કેટલાક સંગઠનો ન્યાય માંગે છે. અમે બધા ર૬ માર્ચ સુધી સંભાજી ભીડેની ધરપકડ કરાવવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે નહીં તો તમામ સંગઠન મુંબઈ તરફ રેલી યોજશે. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ મરાઠા યુદ્ધની ર૦૦મી વર્ષગાંઠના પ્રસંગે આયોજિત કાર્યક્રમ દરમિયાન ફાટી નીકળેલ હિંસામાં મિલિન્દ અને સંભાજી ભીડેની ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે.