(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૪
ભૂજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થિનીઓર્થ કપડાં ઉતારી માસિક ધર્મ અંગે ચકાસણી કરવાના ચકચારભર્યા પ્રકરણમાં વિવાદ વકરતાં હવે ગુજરાત રાજ્ય મહિલા આયોગ પણ હરકતમાં આવ્યું છે. આયોગે આ મુદ્દે સુઓમોટો વ્યુ લઇ સમગ્ર પ્રકરણમાં જરૂરી તપાસના આદેશો જારી કર્યા છે.
આ સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે પણ ગંભીર નોંધ લીધી છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ આગામી દિવસોમાં અહીંની મુલાકાત લેશે અને પીડિત વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇ તેમની રજૂઆત સાંભળે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. કચ્છમાં વિદ્યાર્થિનીઓના શોષણ મામલે રાજય મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાએ જણાવ્યું હતું કે, ભૂજમાં કંઈપણ થયું તે નિંદનીય છે. મહિલા આયોગે સુઓમોટો દાખલ કરી છે અને જિલ્લા પોલીસ વડા પાસે તેનો રિપોર્ટ માંગ્યો છે. દીકરીઓ પર થતી જાતીય સતામણી સામે પગલાં લેવાશે. તેમણે ઉમેર્યું કે, આ પ્રકરણમાં નારી અદાલતની બહેનોને તપાસ કરી રિપોર્ટ સોંપવા સૂચન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. ઉલ્લેખનીય છે કે, ભૂજમાં આવેલી સહજાનંદર ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ અંગે પૂછતાછ કરવામાં આવી હતી. પૂછતાછ બાદ વિદ્યાર્થિનીઓને વોશરૂમમાં લઈ જઈ કપડાં ઉતારી માસિક ધર્મમાં છે કે, નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થિનીઓએ ભારે વિરોધ નોંધાવતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.