ભૂજ, તા.૩૦
ભૂજ શહેરના હમીરસર તળાવમાં ઝંપલાવી પતિ-પત્નીએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તા.૩૦/૯ની વહેલી સવારે આ યુગલે હમીરસર તળાવના ઊંડા પાણીમાં અન્ય લોકોની નજર સામે જ ઝંપલાવી દઈ જીવન ટૂંકાવ્યું હતું. આ કરૂણ ઘટના બાદ લોકોએ પોલીસને જાણ કરતા બન્નેની લાશ બહાર કાઢવામાં આવી હતી. મૃતકની શ્યામભાઈ પરમાનંદ ખત્રી (ઉ.વ.પ૦) તથા તેમના પત્ની કલ્પનાબેન (ઉ.વ.૪પ) તરીકે ઓળખ થઈ હતી. મૃતક શ્યામભાઈ સિંધી વેપારી હતા અને ભૂજના ભગતવાડી વિસ્તારમાં રહેતા હતા. તેેમની દુકાન ભૂજના બસ સ્ટેશન પાસે આવેલી છે. આપઘાત પાછળ ઘરેલુ ઝઘડો કારણભૂત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આપઘાત અગાઉ બંન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હોવાનું લોકોએ જણાવ્યું હતું. ભૂજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા બંન્ને મૃતદેહને ભૂજની અદાણી હોસ્પિટલ લાવી પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.