(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.ર૬
ભૂજ શહેરની આર.આર. લાલન કોલેજના પ્રિન્સીપાલને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી એક વિદ્યાર્થી દ્વારા મળતા ચકચાર મચી ગઈ છે. ભૂજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે.
કોલેજમાં તા.૧૯/૧૧ના રોજ આ ઘટના બની હતી. જેમાં પરીક્ષા દરમ્યાન ૧૦૯ નંબરના બ્લોકમાં ખોટી રીતે પાર્થરાજસિંહ કિરીટસિંહ રાણા નામનો વિદ્યાર્થી ઘૂસી આવ્યો હતો. ફરજ ઉપરના પ્રોફેસરે આ વિદ્યાર્થીને બ્લોકમાંથી બહાર કાઢી નાખતા ગાળાગાળી કરી ચાલ્યો ગયો હતો. દરમ્યાન તા.ર૦/૧૧ના રોજ આ વિદ્યાર્થીએ પ્રોફેસર અને કોલેજના પ્રિન્સીપાલને કોલેજના ગેટ પાસે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એક અજાણ્યા નંબર ઉપરથી આ વિદ્યાર્થીનો ભાઈ બોલું છું. તેમ કહી પ્રિન્સીપાલને ફોન ઉપર પણ ધમકી આપી હતી. આ અંગે કોલેજના પ્રિન્સીપાલ છત્રપાલસિંહ સુખદેવસિંહ ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાએ કચ્છના શૈક્ષણિક જગતમાં ચકચાર જગાવી છે.