(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૨
વિદ્યાર્થીનીઓના માસિક ધર્મ ની તપાસ ના કેસમાં પકડાયેલ ચારે મહિલા આરોપીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ભુજ એ ડિવિઝન પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા આ ચારે મહિલા આરોપીઓ આચાર્ય રીટા રાણીગા, કો.ઓર્ડીનેટર અનિતા ચૌહાણ, છાત્રાલય સુપરવાઇઝર રમીલા હિરાણી, પટાવાળા નયના ગોરસીયાને જામીન પર મુક્ત કર્યા હતા. દરમિયાન પોલીસે એવો નિર્દેશ આપ્યો હતો કે આ ચારેયની પૂછપરછમાં કોઈ બીજા નામો બહાર આવ્યા નથી. જો કે, પોલીસે બનાવેલી સીટની તપાસ ટીમે આચાર્ય મહિલા ઉપર વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ દરમિયાન બળજબરીથી ગોંધી રાખી હોવાની ગુણની કલમ પણ દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં જે દીકરીઓના કપડા ઉતરાવી તેમના માસિક ધર્મનું ચેકિંગ થયું હતું. આ મામલે સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આ શરમજનક ઘટનાના પગલે મહિલા આયોગની ટીમે પણ તપાસ કરી હતી. કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકીયાએ રાજીનામું આપ્યું હતું. જો કે, તેમનું રાજીનામું સ્વીકારાયું નથી. ભુજની સહજાનંદ કોલેજના વિવાદને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આજે રાષ્ટ્રીય આયોગની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. જિલ્લાના ડીવાયએસપીની આગેવાનીમાં સીટની ટીમની રચના કરાઈ છે. ત્યારે હવે સીટની ટીમે કોલેજમાં પહોંચીને વિદ્યાર્થિનીઓના નિવેદન લીધા હતા. કોલેજ પરિસરના સીસીટીવી સહિતના મુદ્દાઓને લઈને પણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાના રૂઢિગત નિયમોમાં પરિવર્તન લાવવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેસાઈએ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને ઇન્ચાર્જ એસપી દેસાઈ સાથે બેઠક યોજી હતી. મહિલા આયોગે તટસ્થ તપાસની ખાતરી સાથે દીકરીઓને ન્યાય મળશે તેવી વાત ઉચ્ચારી છે. ઉપરાંત સંસ્થાના માસિક ધર્મના નિયમો અંગે ચર્ચા થઈ હતી. ભારે વિવાદ બાદ ટ્રસ્ટી મંડળે માસિક દરમિયાન ત્રણ દિવસના રૂઢિગત નિયમો બદલવાની ખાતરી આપી છે. ટ્રસ્ટીઓના બેવડા વલણથી અનેક તર્ક વિતર્કો ફેલાયા છે.