“કૌન બનેગા કરોડપતિ”માં પ૦ લાખ જીતનાર હરખચંદ સાંવલાનું લોકસેવા યજ્ઞ
મૂળ કચ્છના અને મુંબઈ રહેતા હરખચંદે સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને નિઃશુલ્ક ભોજન પૂરૂં પાડવા ઉપરાંત બાળ દર્દીઓને રમકડાં આપ્યા
ભૂજ, તા.૧૬
કૌન બનેગા કરોડપતિ ટીવી કાર્યક્રમમાં આજ સુધી ઘણા બધા લોકો રોકડ જીત્યા પણ છે અને અમૂકે સારાકાર્યમાં આવી રકમ વાપરી પણ હશે. પરંતુ મૂળ કચ્છના અને મુંબઈ રહેતા હરખચંદ સાવલાએ પણ કૌન બનેગા કરોડપતિ શૉમાં જીતેલા પ૦ લાખની રકમમાંથી પોતાના મૂળવતન કચ્છમાં અને મુંબઈમાં પણ સેવાયજ્ઞ શરૂ કરીને રાહ ચીંધ્યો છે. વર્ષ ર૦૧૮માં હરખચંદ સાંવલાએ કૌન બનેગા કરોડપતિ ટીવી કાર્યક્રમમાં પ૦ લાખની રકમ જીતી હતી. જો કે, તેમાં પણ પોતાની અંગત મૂડી ઉમેરીને તેમણે મુંબઈમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીને ભોજન નિઃશુલ્ક પૂરૂં પાડવું, બાળ દર્દીઓ માટે રમકડાં પૂરા પાડવા જેવી સેવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. હાલમાં જ તેમણે ભૂજ સ્થિત લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને દર્દીઓની સેવા માટે ત્રણ એમ્બ્યુલન્સ ભેટ આપી છે. હરખચંદ સાંવલા મૂળ કચ્છના અબડાસા તાલુકાના બાડા ગામના વતની છે અને મુંબઈમાં ત્રણ પેઢીથી સ્થાયી થઈ હોટલ વ્યવસાયમાં સફળ થયા છે. ભૂજની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ જેવી સંસ્થાઓને મદદરૂપ થવા ઉપરાંત તેઓ પોતાનું પણ મુંબઈ ખાતે ટ્રસ્ટ મારફત સેવા કરે છે. તાજેતરમાં જ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ ત્રણ એમ્બ્યુલન્સ ભેટ અર્પણ કરાઈ હતી.
Recent Comments