ધોળકા, તા.ર૮
ધોળકા સેવા પરિવાર, મંગલ મંદિર માનવ સેવા ટ્રસ્ટ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અન્ન સેવા પ્રસાદ તીર્થ તેમજ ફરજ ટ્રસ્ટના સહયોગથી તેમજ માર્ગેશભાઈ મોદી, સવજીભાઈ કચ્છી પટેલ અને દીપકભાઈ શાહની આગેવાની હેઠળ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ દસક્રોઈ ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસના હસ્તે ફ્રી કોવિડ સેન્ટર હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ધોળકામાં આવેલા રાધે ગેસ્ટહાઉસ, પૂનમ સોસાયટી પાસે, ધોળકા ખાતે પ૦ બેડનું ફ્રી કોવિડ કેર સેન્ટર ઓક્સિજન તેમજ જમવાની સગવડ સાથે ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલ તબીબો આવેલા દર્દીને તપાસીને દવા આપી રહ્યા છે અને જેઓને વધુ સારવાની જરૂર હોય તેઓને દાખલ કરી તેઓની સારવાર કરી રહ્યા છે. આ હોસ્પિટલમાં દર્દી માટે ભોજનની વ્યવસ્થા, નાસ્તો, ઉકાળા અને દવા વગેરે જેવી તમામ સુવિધા નિઃશુલ્ક રહેશે. તેમજ ધોળકા રેસ્ટ હાઉસમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા જિલ્લા વિકાસ અધિકારી મહેશ અરૂણ બાબુની ખાસ હાજરીમાં કોરોના મહામારીને નાથવા માટેના પગલાં ભરવા માટે ચર્ચા વિચારણા કરવા મીટિંગ યોજાઈ હતી.