(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
મનપાના ભેસ્તાન સ્થિત કોમ્યુનિટી હોલમાં બે સમાજના ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં બંને સમાજના આગેવાનો વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે.
સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ મનપાના ભેસ્તાન સ્થિત કોમ્યુનિટી હોલનું બુકિંગ જૈન સમાજના આગેવાનોએ આગામી ૩૦મીથી બીજી ઓક્ટોબર સુધી સમાજના ખેલૈયાઓ માટે નવરાત્રિ આયોજન માટે મનપામાં સત્તાવાર રીતે બુકિંગ કરાવ્યું હતું. સામા પક્ષે બંગાળી સમાજનાં આગેવાનોએ ૩જી ઓક્ટોબરથી હોલનું બુકિંગ કરાવ્યું છે. જૈન સમાજના આગેવાનો દ્વારા નવરાત્રીની તૈયારીના ભાગરૂપે ગેટ બનાવવાની કામગીરી શરૂ કરતા ગત મોડી રાત્રે બંને સમાજના આયોજકો વચ્ચે બીજી ઓક્ટોબરના કાર્યક્રમ માટે ભારે ચડભડ થઇ હતી અને આજે સવારે આ મામલો બંને સમાજના આયોજકો સ્થાનિક કોર્પોરેટર પાસે ધસી ગયા હતા. જો કે, બે કલાકની બંને પક્ષોની સમજાવટ બાદ આ મામલે કોઇ ઉકેલ ના આવતા બંને પક્ષના આગેવાનોને લઇને સ્થળ ઉપર લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. હજુ બંને પક્ષે સમજાવટ થઇ શકી ન હોવાનું જાણવા મળે છે.
બંગાલી સમાજના આયોજકો પૈકીના સાગરભાઇ સહિતના લોકો બીજી ઓક્ટોબરના રોજ અમારે દુર્ગાપૂજાની તૈયારી કરવાની હોય જઇને સમાજને બે તારીખે નવરાત્રી નહીં થવા દઇએ એવી હઠ પકડતા બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો છે. જો કે આ મામલે હવે શું થાય છે તે જોવાનું રહે છે.