(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૬
શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં જ ફરજ બજાવતા ટીઆરબી જવાને દોડી જઈ આગને પ્રસરતા અટકાવી હતી. દરમિયાન ફાયર વિભાગના બે ફાયર ફાઈટર પહોંચી જતા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર નજીક આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી જેથી બે ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જો કે, બીઆરટીએસ બસ સ્ટેન્ડની ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગની ઘટના શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડની આગની ઘટનામાં ટીઆરબી જવાનની પ્રશંનિય કામગીરી સામે આવી છે. દક્ષેશ્વર મંદિર પાસે ફરજ બજાવતો અનિલ પાટીલ આગ લાગી હોવાની જાણ થતા દોડી ગયો હતો. ત્યારબાદ બસ સ્ટેન્ડમાં રહેલા ફાયર એકસ્ટીગ્યુસર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને આગને પ્રસરતા અટકાવી હતી. જવાનની પ્રશંસનિય કામગીરીને ફાયર વિભાગે પણ બિરદાવી હતી.