(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૬
જામનગરના એક એડવોકેટે ન્યાયતંત્ર સાથે સંકળાયેલા સ્ટેનોગ્રાફર સામે લાંચની માંગણીની ફરિયાદ નોંધાવવા માટે એકાદ મહિનાથી મહેનત કરી હોવા છતાં તેઓની ફરિયાદ પરથી ડીકોઈ ટ્રેપ કે લાંચનું છટકું ન ગોઠવી એસીબી દ્વારા ન્યાયતંત્ર સાથે સંકળાયેલા વ્યક્તિને લાંચના છટકામાં ઝડપી લેતા પહેલાં ન્યાયાધીશની મંજુરી લેવી પડે તેમ જણાવતા એડવોકેટે આવી કોઈ જોગવાઈ છે કે કેમ? તેવો પ્રશ્નો પુછી વડાપ્રધાનને પત્ર લખી ભ્રષ્ટાચાર નિવારણના કાયદામાં ન્યાયતંત્રને વિશેષ સુવિધા આપવા બદલ આભાર માનતો પત્ર લખતા ચકચાર જાગી છે.
જામનગરના કિશાનચોક વિસ્તારમાં વસવાટ કરતા અને એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા ગીરીશ એલ. સરવૈયાએ એક અરજી દેશના વડાપ્રધાનને સંબોધિને જામનગરની કલેક્ટર કચેરીમાં પાઠવી છે. જેમાં તેઓએ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અંતર્ગત ન્યાયતંત્રને વિશેષ સુવિધા શા માટે આપવામાં આવી રહી છે તેમ પુછી આ સુવિધા આપવા બદલ આભાર માનતા ચર્ચા જાગી છે.
તેઓએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે વડાપ્રધાન દ્વારા દેશભરમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે હાકલ કરવામાં આવી છે ત્યારે તેઓએ પોતાનો પણ સહયોગ આપવાની ઈચ્છા સાથે જામનગરના ન્યાયતંત્ર સાથે સંકળાયેલા એક વ્યક્તિએ પોતાની પાસે લાંચની માંગણી કરી હોય તેની સામે જામનગર એસીબી કચેરીમાં રજુઆત કરી હતી. અગાઉ ગીરિશ સરવૈયાએ રેવન્યુ શાખાના એક કર્મચારી સામે લાંચ માંગ્યાની ફરિયાદ આપી હતી પરંતુ બીજા દિવસે તેનું છટકું નિષ્ફળ ગયું હતું. તેથી ન્યાયતંત્ર સાથે સંકળાયેલા સ્ટેનોગ્રાફર કયા સરકારી ખાતામાં, કયા હોદ્દા પર છે અને કેટલી રકમની માંગણી કરી છે તે બાબત જાણી જોઈને છુપાવી એડવોકેટ સરવૈયાએ એસીબીને બાકીની વિગતો આપી હતી. જે-તે વખતે ૨૬ જાન્યુ.ની ઉજવણી થવાની હોય સપ્તાહ પછી છટકુ ગોઠવશું તેમ જણાવાતા સરવૈયા ચાલ્યા ગયા હતાં. તે પછી જામનગર એસીબીએ રેવન્યૂ શાખાની સબરજીસ્ટ્રાર કચેરીમાં ઓચીંતુ ચેકીંગ કર્યું હોવાના અને ત્યાં ૩૬ દસ્તાવેજો થયા હોવા છતાં એકપણ રૃપિયો વધારાનો ન હોવાનો અહેવાલ વર્તમાનપત્રમાં વાંચ્યો હતો.
આ ઓચીંતા ચેકીંગનું શું કારણ હોય શકે તે એડવોકેટ સરવૈયાને સમજમાં આવ્યું ન હતું કેમકે ચેકીંગ પહેલાં કોઈ લેખિત ફરિયાદ થઈ ન હતી કે ડીકોય ટ્રેક પણ ગોઠવવામાં આવી ન હતી. આ ચેકીંગથી એડવોકેટે જેની સામે ફરિયાદ કરવાની હતી તે કર્મચારી સતર્ક બની જતા તેઓએ જામનગરની એસીબી કચેરી દ્વારા છટકુ ગોઠવવાનો નિર્ણય પડતો મૂક્યો હતો.
એડવોકેટ ગીરિશ સરવૈયાએ પોતાની અરજીના અર્થમાં જણાવ્યું છે કે ન્યાયતંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારી સામે લાંચનું છટકુ ગોઠવતા પહેલાં જે-તે જજને જાણ કરવી પડે તેવો કોઈ પરિપત્ર કે સુપ્રિમ કોર્ટનો આદેશ છે કે શું? આવી કોઈ જોગવાઈ હોય તો શું કરવાનું? આવી કોઈ મંજુરી આપવામાં ન આવે તો છટકું ન ગોઠવી શકાય? તો આવા લાંચીયા કર્મચારીને ભ્રષ્ટાચાર કરવા દેવાનો? તેવા પ્રશ્ન પુછી એડવોકેટ સરવૈયાએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ન્યાયતંત્રને અપાયેલી આવી ખાસ સુવિધા બાબતે આભાર વ્યક્ત કર્યો છે.