(એજન્સી) ભોપાલ, તા. ૧૬
મધ્યપ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે, સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ ના થયો અને સ્પીકરે રાજ્યપાલના ભાષણ બાદ વિધાનસભા સત્રને ૨૬મી માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી. હવે રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખીને કહ્યું છે કે, તેઓ ૧૭મી માર્ચે જ ફ્લોર ટેસ્ટ કરાવે. બીજી તરફ ભાજપે વહેલા ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવતા આ અંગે મંગળવારે સુનાવણી થશે. રાજ્યપાલે મુખ્યમંત્રી કમલનાથને લખેલા પત્રમાં સોમવારે ફ્લોર ટેસ્ટ ન કરાવવા અંગે નારાજગી દર્શાવી છે. પત્રમાં કહેવાયું છે કે, રાજ્યપાલના ભાષણ બાદ મુખ્યમંત્રીએ ફ્લોર ટેસ્ટ કરાવવાની સાર્થક કોશિશ કરી નથી. વિધાનસભાની કાર્યવાહી ૨૬મી માર્ચ સુધી સ્થગિત થવાનો ઉલ્લેખ પણ રાજ્યપાલે પત્રમાં કર્યો હતો. રાજ્યપાલ લાલજી ટંડને કમલનાથના પત્રવાળી ભાષાને સંસદીય મર્યાદાઓની પ્રતિકૂળ ગણાવી હતી. તેમણે મુખ્યમંત્રીને સંબોધીને લખ્યું છે કે, ‘તમે આ પત્ર લખીને ફ્લોર ટેસ્ટ કરાવવામાં આના-કાની કરી છે જેનો કોઇ આધાર નથી. કમલનાથે પત્રમાં જે કારણ ગણાવ્યા હતા રાજ્યપાલે તેને આધારવિહોણા અને અર્થવગરના ગણાવ્યા હતા. ટંડને કમલનાથને જણાવ્યું હતું કે, તેઓ ૧૭મી માર્ચ ૨૦૨૦ સુધી વિધાનસભામાં બહુમતી સાબિત કરે નહીં તો એવું માનવામાં આવશે કે, તેમને બહુમતી પ્રાપ્ત નથી. આ પહેલા રાજ્યપાલે કમલનાથને સોમવારે પોતાના ભાષણ બાદ ફ્લોર ટેસ્ટ કરાવવા કહ્યું હતું. જોકે, સોમવારે જેવા જ રાજ્યપાલનું સંક્ષિપ્ત ભાષણ સમાપ્ત થયું તેવું જ સ્પીકરે કોરોના વાયરસના ભયને જોતાં વિધાનસભાની કાર્યવાહી ૨૬મી માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી. બીજી તરફ ફ્લોર ટેસ્ટ નહીં થતા ભાજપે સદનમાં હંગામો કર્યો હતો. બાદમાં શિવરાજસિંહ ચૌહાણે રાજ્યપાલ સામે ભાજપના વિધાનસભ્યોની પરેડ કરાવીને દાવો કર્યો હતો કે, કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઇ છે. ફ્લોર ટેસ્ટની માગને લઇને ભાજપ સુપ્રીમ કોર્ટમાં ગયો છે. જેના પર મંગળવારે સુનાવણી થશે. આ સુનાવણી જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને હેમંત ગુપ્તાની બેંચ કરશે.