(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૬
ડીપીએસ સ્કૂલ વિવાદ મામલે મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆએ જામીન મેળવવા માટે કરેલી અરજીની સુનાવણી કાલ સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે કે આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારી આર.બી. રાણાએ મીરઝાપુર કોર્ટમાં એક એફિડેવિટ કરીને આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને તેમને જામીન પર મુક્ત ન કરવાની રજૂઆત કરી હતી. સમગ્ર એફિડેવિટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે આ કેસના આરોપીઓની હાજરી સ્કૂલની મંજૂરી માટે લેવામાં આવેલી બનાવટી એનઓસી રિકવર થઇ શકે એમ નથી. આરોપીઓએ એનઓસી મેળવવાની દરખાસ્તમાં તંત્રને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરી ખોટી વિગતો રજૂ કરી હોવાથી આ ગુનાની તટસ્થ અને ન્યાયીક તપાસ માટે પણ આરોપીઓની હાજરી જરૂરી છે. તપાસ અધિકારી તરફથી એફિડેવિટમાં કોર્ટને એવી વિનંતી પણ કરવામાં આવી છે કે, આ કેસના આરોપીએ સહ આરોપીઓ સાથે મળીને એનઓસી મેળવવાની દરખાસ્તમાં ખોટી માહિતી આપી હતી. આ એનઓસીનો ઉપયોગ કરી સીબીએસઇ બોર્ડની માન્યતા મેળવી હતી. જે શિક્ષણ જગતને કલંકરૂપ ગંભીર ગુનો કર્યો છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે છેતરપિંડી કરી શિક્ષણ ક્ષેત્રે ખરાબ છાપ ઊભી કરનારૂં કાવતરૂં કર્યું છે. જો આરોપીઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરવામાં આવશે તો તેઓ પુરાવા સાથે ચેડાં કરશે એવી શક્યતા છે. તેથી તેમને જામીન પર મુક્ત ન કરવા જોઈએ. એફિડેવિટમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે, આરોપીઓ સમગ્ર દેશમાં વર્ચસ્વ ધરાવે છે અને આર્થિક રીતે પણ સધ્ધર છે. જો તેમને જામીન આપવામાં આવશે તો તેઓ આ કેસને નુકસાન પહોંચાડવા સક્ષમ છે. તેઓ સરકાર પક્ષના કેસને પણ નબળો પાડી શકે છે. તેઓ ગુજરાત રાજ્ય બહારના વતી હોવાથી નાસી-ભાગી જાય એવી દહેશત પણ છે. સ્કૂલ ઓથોરિટી પહેલાથી જ કેસમાં સહકાર આપતી નથી તેથી તેમની પાસેથી તપાસમાં સહકારની અપેક્ષા રાખવી મુશ્કેલ હોવાથી પણ તેમને જામીન આપવા જોઇએ નહીં.