(સંવાદદાતા દ્વારા)
વઢવાણ, તા.૩૧
વઢવાણ શહેરના અબોલપીર ચોક દરગાહ પાસેના વિસ્તારમાં છેલ્લા છ માસથી પીવાના પાણીની મુખ્ય લાઇન સાથે ગટરોના પાણીની લાઇન ભળી જતા આ આખાય વિસ્તારમાં છેલ્લા છ માસથી ઘરે ઘરે અપાતુ નળવાટે પાણીમાં ગટરોના મિશ્રણવાળું પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવેલ હોવા છતાં પણ આ વિસ્તારમાં પુરતું ધ્યાન આપવામાં આવતુ ન હોવાના કારણે મહિલાઓમા ભારે દેકારો સર્જાવા પામ્યો છે. વઢવાણ શહેરમાં કોંગ્રેસ શાસનમાં નગર પાલીકામા બેઠી ત્યારે સૌથી વધુ મતોથી આ વોર્ડમાં ભાજપની પેનલ જીત મેળવી હતી અને આ વિસ્તારમાં બે મહિલા અને બે યુવકો કોર્પોરેટર બન્યા જંગી લીડથી છતાં આ વિસ્તારના એકપણ કામો છેલ્લા પાંચ વર્ષમાં થયા જ નથી. અઢી વર્ષ બાદ ભાજપ ભાલદોડ કરી અને નગરપાલિકા ઉપર કબ્જો મેળવ્યો ત્યારે હાલમાં ભાજપ શાસિત નગર પાલિકા હોવા છતાં પણ કામોને પ્રાધાન્ય ન આપવામાં આવી અને વઢવાણ નગર પાલિકાનો માચડો વેરવિખેર કરી અને સુરેન્દ્રનગર-દુધરેજ નગર પાલિકા સાથે ભેળવી દેવામાં આવ્યો. કામો ઠેરના ઠેરજ રહ્યા.
વઢવાણના અબોલપીર ચોક દરગાહ વિસ્તારમાં છેલ્લા છ માસથી ગટરોના પાણી પાઇપ લાઇનમાં ભળી જતા અબોલપીર ચોક વિસ્તારમાં ઘરે ઘરે દુર્ગંધયુકત પાણીનું વિતરણ થતા ભારે દેકારો સર્જાયો છે. ત્યારે ઇજનેરો છેલ્લા ૧પ દિવસથી આડેધડ ખાડા ખોદી નાખ્યા છે. પાઇપ લાઇનમાં ફોલ્ટ શોધવામાં સદંતર પણે નિષ્ફળ નીવડયા છે. ત્યારે લતામાં દેકારો બોલતા મહિલાઓ દ્વારા ઇજનેરોનો ઉધડો લેવાતા ઇજનેરે જણાવ્યું હતું કે આ તો જૂની જ લાઇન છે. નવી લાઇન છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારની મંજૂર થયેલી પડી છે. છતાં પણ કામગીરી કરતા નથી અને અમોને પણ જુની લાઇન તપાસ કરવાના આદેશો આપી તપાસ માટે માણસો સાથે મોકલી આપે છે. અને ફોલ્ટ મળતો નથી અમે પણ ભારે પરેશાન થઇ ગયા છીએ તેવું ઇજનેરો એ જણાવ્યું હતું.