(એજન્સી) તા.૨૨
લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ૧૫-૧૬ જૂનની રાત્રિએ થયેલી અથડામણ દરમિયાન મૃત્યુ પામનારા ચીનના સૈનિકોમાં એક કમાન્ડિંગ અધિકારી પણ સામેલ હતો. ચીને ગત અઠવાડિયે ગલવાનમાં ભારત સાથે થયેલી સૈન્ય મંત્રણામાં આ વાતને સ્વીકારી હતી. સૂત્રોએ આ જાણકારી આપી હતી.
આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ૧૯૬૭ બાદથી અત્યાર સુધીનો સૌથી મોટો સરહદી વિવાદ થયો છે જેમાં ભારત અને ચીનને સૈનિકોની જાનહાનિનો સામનો કરવો પડ્યો. આ વિવાદને શાંત કરવા માટે ચુશુલના મોલ્દોમાં લેફ્ટનન્ટ જનરલ સ્તરની મંત્રણા જારી છે.
ચીનની સેનાના કોઈ મોટા અધિકારીના મોતના સમાચાર એ હિંસક અથડામણના એક અઠવાડિયા પછી આવ્યા છે. જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થઈ ગયા હતા. સેનાના સૂત્રોએ કહ્યું કે હિમાલયની ગલવાન નદી નજીક ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈએ આ વિવાદના કારણે ૪૫ ચીની સૈનિકો શહીદ કે ઘવાયા હતા. જોકે બેઈજિંગ વતી અત્યાર સુધી આ મામલે કોઈ આંકડો જાહેર કરાયો નથી. ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય અધિકારી કર્નલ બીએલ સંતોષ બાબુ પણ શહીદ થયા હતા. સેનાના સૂત્રોએ કહ્યું કે જે ૭૬ ભારતીય સૈનિકો ઘવાયા હતા. તે અમુક અઠવાડિયામાં પાછા નોકરીએ ફરવાના છે.