(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે સ્થિતિ થાળે પડી રહી છે અને ચીને ગલવાન નદી નજીકથી લશ્કર પરત ખેંચ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સરકારને ત્રણ વેધક પ્રશ્નો પૂછ્યા છે. કોંગ્રેસના નેતાઓ ટિ્‌વટર પર સરકારને સવાલ કર્યા હતા કે, દિલ્હીની કેન્દ્ર સરકારે શા માટે સ્થિતિ યથાવત્‌ હોવાનો આગ્રહ ના કર્યો અને તેમના નિવેદનમાં ક્યાંય ગલવાન વેલીનો ઉલ્લેખ પણ કરાયો નથી. દેશનું હિત સૌથી ટોચની પ્રાથમિકતા છે. રાષ્ટ્ર હિતની રક્ષા કરવી તે સરકારની જવાબદારી રહે છે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ દેશના લશ્કરના શહીદ જવાનોના મુદ્દે પણ સરકારને ઘેરતા જણાવ્યું કે, જો બધું બરાબર હતું તો સરકારે શા માટે તે વાત જણાવી નહીં અને આપણા દેશના બહાદૂર જવાનો કેમ આપણી ધરતી પર શહીદ થયા? વિદેશ મંત્રાલયના નિવેદનમાં શા માટે ગલવાન વેલીના પ્રાદેશિક સાર્વભૌમત્વનો ક્યાંય ઉલ્લેખ કરાયો નહતો.
ઉલ્લેખીય છે કે રવિવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને ત્યારબાદ બન્ને દેશો દ્વારા જાહેર કરાયેલા નિવેદનને ટાંકીને રાહુલ ગાંધીએ આ વેધક સવાલો કર્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાના વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં ગલવાન વેલીનો ઉલ્લેખ કર્યો છે જ્યારે ભારતના વિદેશ મંત્રાલયે ક્યાંય તેનો ઉલ્લેખ કર્યો નથી. ચીનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ભારત-ચીન વચ્ચે તાજેતરમાં પશ્ચિમ બાજુની સરહદ પર ગલવાન વેલીમાં જે કંઈ ખરું-ખોટું થયું તે સ્પષ્ટ છે. ચીન પોતાની પ્રાદેશિક અખંડિતતા તેમજ સરહદ પર શાંતિ અને સુલેહની નિશ્ચિતપણે સુરક્ષા કરવાનું ચાલુ રાખશે.’ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના મંત્રી વાંગ વચ્ચે બન્ને દેશો દ્વારા સરહદ પર શાંતિ સ્થાપવા અને લશ્કરને પરત ખેંચવા માટે સહમતિ સધાઈ હતી. બન્ને રાષ્ટ્રો મતભેદને વિવાદનું કારણ બનાવવાનું ટાળવા માટે સહયોગ કરવા સહમત થયા હતા. ચીનના લશ્કર દ્વારા સોમવારે ગલવાન વેલી ખાતેથી પોતાના તંબૂઓ હટાવવાની ગતિવિધિ પણ હાથ ધરાઈ હતી. ૧૫ જૂનના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન વેલી ખાતે હિંસક અથડામણ થઈ હતી જેમાં ચીનના સૈનિકોએ લાકડીઓ અને સળિયા વડે ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા જ્યારે ચીનના પણ કેટલાક જવાનોના મૃત્યુ થયા હતા.

ભારત-ચીન મંત્રણા બાદ રાહુલ ગાંધીના સરકાર સામે ત્રણ પ્રશ્નો

લદ્દાખ હિંસા અંગે ખાસ પ્રતિનિધિસ્તરની મંત્રણા અંગે ચીનના નિવેદનને ટાંકતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તે રાષ્ટ્રહિતની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઇ છે. ભારત અને ચીનના નિવેદનને ટાંકતા તેમણે સવાલ કર્યો કે, એલએસી પર યથાસ્થિતિ જાળવી રાખવા પર સરકારે શા માટે ભાર ના મૂક્યો અને શા માટે પ્રાદેશિક સાર્વભૌમત્વનો ઉલ્લેખ ના કરાયો. ભારતનારાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે રવિવારે થયેલી મંત્રણાને પગલે ગલવાન વેલીમાંથી બંને દેશોએ પોત-પોતાની સેના ખસેડવાનું શરૂ કર્યું હતું. આ માટે ભારતે ચીન પર ઘૂસણખોરીનો આરોપ લગાવ્યો હતો જ્યારે ચીને પોતાના પ્રદેશમાં ઘૂસવા માટે ભારત પર આરોપ લગાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ભારત-ચીન વચ્ચે તાજેતરમાં પશ્ચિમ બાજુની સરહદ પર ગલવાન વેલીમાં જે કંઈ ખરું-ખોટું થયું તે સ્પષ્ટ છે. ચીન પોતાની પ્રાદેશિક અખંડિતતા તેમજ સરહદ વિસ્તારો પર શાંતિ અને સુલેહની નિશ્ચિતપણે સુરક્ષા કરવાનું ચાલુ રાખશે.’ આ અંગે નિવેદનની કોપીને દર્શાવતા રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું કે, ભારતે બેઇજિંગના નિવેદનનો જવાબ આપ્યો નથી.