છાપી, તા.૧૧
રાજ્ય સરકાર દ્વારા પાલનપુર-અમદાવાદ હાઇવેને છ માર્ગીય બનાવવાની મંજૂરી આપ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જો કે, હાઇવેને પહોળો કરવાની કામગીરી મંથર ગતિએ તેમજ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી હાથ ધરાયેલ કામથી છાપી હાઈવે ઉપર વાહનોની લાંબી કતારોના દૃશ્યો રોજિંદા બની ગયા છે. પાલનપુર- અમદાવાદ સ્ટેટ હાઈવે ઉપર સતત વધતા ટ્રાફિકને લઈ સરકાર દ્વારા હાઇવેને પહોળો કરી છ માર્ગીય બનાવવાની મંજૂરી આપતા હાલમાં હાઈવેને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, કોન્ટ્રાકટર દ્વારા નિયમોની અનદેખી કરી પાણીના છંટકાવ કર્યા વગર આડેધડ ખોદકામ કરતા હાઇવે ઉપર ધૂળની ડમરી ઉડતા હાઇવેના વેપારીઓ સહિત લોકો પરેશાન થઈ ઉઠ્યા છે જ્યારે રોડની એક સાઈડ બંધ કરી ડાયવર્જન આપવાના કારણે છાપી હાઈવે ચોકડી ઉપર વારંવાર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાતા વાહનોની બંને સાઈડ બેથી ત્રણ કિલોમીટર લાંબી કતારો લાગતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે દરમિયાન છાપી પંથકમાં મંથરગતિએ ચાલતી હાઇવેની કામગીરીને લઈ તંત્ર યોગ્ય પગલાં ભરી હાઇવેની ટ્રાફિક સમસ્યા હલ કરે તેવી માંગ ઉઠવા પામી છે.