(એજન્સી) તા.૧૮
હિન્દુ વોઇસ ફોર પીસ નામના એક બિન સરકારી સંગઠને ગાંધીવાદી કાર્યકર અને ખુદાઇ ખિદમતગાર સંગઠનના રાષ્ટ્રીય સંયોજક ફૈઝલ ખાનને મુક્ત કરવાની માગ કરી હતી. ર નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના મથુરા શહેરમાં આવેલા નંદ બાબા મંદિર ખાતે પોતાની સાથીદાર ચાંદ મહંમદ સાથે મળીને નમાઝ પઢવા બદલ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે હવે તેમને મુક્ત કરવાની માગ કરતાં હિન્દુ વોઇસ ફોર પીસ નામના સંગઠને કહ્યું કે દરેક ધર્મના લોકો વચ્ચે શાંતિ અને પ્રેમભાવ જળવાઇ રહે તેવા ઉદ્દેશ્ય સાથે વર્ષોથી ખાન થાક્યા વિના અડીખમ રીતે મહેનત કરે છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશને ધ્યાનમાં રાખીને જ તેમને મુક્ત કરવાની જરુર છે. તમને જણાવી દઇએ કે ખાન ખુદાઇ ખિદમતગાર સંગઠનના સંયોજક છે. તેમને મથુરાની કોર્ટે મંદિરમાં નમાઝ પઢવા બદલ ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. જોકે તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને સંસ્થાકીય રીતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆર અનુસાર તેમની સામે ૧ નવેમ્બરે કેસ નોંધાયો હતો. મથુરાના બરસાના ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાઇ હતી. મંદિરના પૂજારીની મંજૂરી સાથે તેમણે મંદિરના પરિસરમાં જ નમાઝ અદા કરી હતી. સંગઠને દાવો કર્યો હતો કે ખાન સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. તેઓએ કોઇ શત્રુભાવ કે ધાર્મિક સંગઠનને અપમાનિત કે બદનામ કરવાના ઉદ્દેશ્ય સાથે કે કોઇ વિવાદ પેદા કરવાના ઉદ્દેશ્ય સાથે આ નમાઝ નહોતી પઢી.