(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૪
શહેરના મકતમપુરા વોર્ડમાં રોડ-રસ્તા, ગટરોની સાફસફાઈ, રસ્તાઓની સફાઈ તથા પ૧પર પેવીંગ અને પેવર બ્લોક સહિતની કામગીરી કરવા કોંગ્રેસના જનમિત્ર દિલાવરખાન પઠાણ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં કિન્નાખોરી રાખીને આ વિસ્તારના કામો કરવામાં આવતા નથી.
રોડ-રસ્તાની કામગીરી અંગે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા તેમણે જણાવ્યું છે કે ફાતિમા મસ્જિદથી મુસ્કાન ગાર્ડન, અજીમ ફલેટથી મુસ્કાન ગાર્ડન, આયશા મસ્જિદથી, નમરા મસ્જિદન સુધીનો, મેટ્રો સિટી બેકરીથી સાબિરપિયાં સોસાયટી થઈ મુસ્કાન ગાર્ડન સુધીનો એ-વન સ્કૂલથી ગુલિસ્તા મસ્જિદ સુધીનો, જલતરંગ ઢાળથી ઝલક ફલેટ સુધીના રોડના કામ બાકી છે અથવા ડામર રોડ બનાવવાનો બાકી છે. તો ઝલક ફલેટ સુધી ડીવાઈડર પણ તુટી ગયેલ છે.
આ ઉપરાંત જેનુલ પાર્કમાં ગટર બેક મારે છે જે લાઈન મોટી કરી સફાઈ કરવાની જરૂર છે વોર્ડ અધિકારી લાઈનનું માપ પણ ઘણા સમયથી લઈ ગયા છે છતાં હજી સુધી કામગીરી થઈ નથી. મુસ્કાન ગાર્ડન પાછળ આવેલી તમામ સોસાયટીમાં ગટરની મેન્યુઅલી કામગીરી સફાઈ કામગીરી હજી સુધી કરવામાં આવી નથી. આથી ચોમાસા પહેલા રોડ-રસ્તા, ગટરના કામો પૂર્ણ કરવામાં આવે જેથી ટેક્ષ ભરતી પ્રજાને ચોમાસા દરમ્યાન આવન-જાવન કરવામાં સરળતા રહે. મકતમપુરા વોર્ડમાં આવેલ ફઝલે રબ્બી સોસાયટી, જેનુલ પાર્ક, લતીફ મસ્જિદ પાસે અહેમદબાગ સોસાયટી, સુકુન સોસાયટી વગેરેમાં પેવર બ્લોકના કામો મંજૂર થયા હતા. અધિકારીઓ હાથે કરીને વિલંબમાં નાખે છે. કોંગ્રેસના જનમિત્ર દિલાવરખાન યુ. પઠાણે જણાવ્યું છે કે પેવર બ્લોકના કામો માટે જો જાતે વિવિધ કાઉન્સિલરોના બજેટ મંજૂર કરાવી અધિકારીઓને આપ્યા છે પરંતુ અધિકારીઓ દ્વારા કામના ટેન્ડર કે ઓફર બહાર પાડવામાં વિલંબ કરવામાં આવે છે. ચોમાસા દરમ્યાન કાદવ-કીચડ ખૂબ થતો હોવાથી વહેલીતકે કામગીરી પૂર્ણ થાય તે માટે મે વહેલામાં વહેલી તકે બજેટ મંજૂર કરાવ્યું હોવા છતાં અધિકારીઓ દ્વારા છ-છ મહિના સુધી કામગીરી કરાતી નથી. તેઓએ વધુમાં જણાવ્યું છે કે મુસ્કાન ગાર્ડન પાસે કચેરી પેટી મુકવામાં આવી છે પરંતુ સાફ-સફાઈ કે દવાનો છંટકાવ કરાતો નથી. મસ્જિદે વારીસ, આયશા મસ્જિદ, ગુલીસ્તા મસ્જિદ નમરાહ મસ્જિદ, ઝલકરોડથી ગોકુલધામ ફલેટ થઈ યશ ફલેટ સુધીના રસ્તા પર માટીના થર જામેલા છે તથા સાફ-સફાઈ પણ કરવામાં આવતી નથી. આ ઉપરાંત ફાતિમા મસ્જિદ, શરીફા મસ્જિદ, મદીના મસ્જિદ સહિતના વિસ્તારોમાં કચરો ઉપાડાતો નથી કે સાફ-સફાઈ થતી નથી. આથી આ તમામ વિસ્તારોમાં રોડ-રસ્તા, પેવરબ્લોક, પથ્થરપેવીંગ, ગટર લાઈન અને સાફ-સફાઈના કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવા તેમણે કમિશનરને વિનંતી કરી છે.