(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬,
આજવા રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં વાસી ઉત્તરાયણ દરમ્યાન મકાનનાં પતરા ઉપર કુદા કુદ કરતાં યુવાનોને ઠપકો આપતા ઉશ્કેરાયેલા મહિલા સહિત ત્રણ જણાએ એક વ્યકિત ઉપર જીવલેણ હુમલો કરી લોખંડની પાઇપના ફટકા મારતા શખ્સ લોહી લુહાણ થઇ ગયો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસે ત્રણ જણાં સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાછળ આવેલ લક્ષ્મીનગરમાં રહેતાં રાજુભાઇ માધવભાઇ શીંધેના મકાનનાં છાપરા ઉપર ગત તા.૧૫મીનાં રોજ પતંગ ચગાવવા માટે બાજુમાં રહેતાં ઓમપ્રકાશ સરોજ, અમીત રામફલી તથા ઓમપ્રકાશની પત્ની સીમેન્ટનાં પતરા ઉપર પતંગ ચગાવી રહ્યાં હતાં. કુદાકુદી કરતાં પતરા તૂટી જશે તે અંગે રાજુભાઇ ત્રણેવ જણાંને ઠપકો આપ્યો હતો. જેમાં બોલાચાલી થતા ત્રણેવ જણાં લોખંડની પાઇપ લઇને રાજુભાઇ ઉપર તૂટી પડયા હતા. ઓમપ્રકાશે પાઇપનો ફટકો રાજુભાઇના માથામાં જોરદાર માર્યો હતો. પોતાના પતિને છોડાવા પત્ની સવિતાબેન અને પુત્રવધુ વર્ષા પણ વચ્ચે પડયા હતા. હુમલાખોરોએ આ બંને જણાને પણ ફટકાર્યા હતા. રાજુભાઇના માથામાં જીવલેણ લોખંડની પાઇપનો ફટકો લાગતા લોહીલુહાણ થઇ તેઓ ત્યાંજ ફસડાઇ પડયા હતા. ગંભીર ઇજા પામેલ રાજુભાઇને તરત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાપોદ પોલીસે આ બનાવ અંગે રાજુભાઇના પત્ની સવિતબેનની ફરિયાદને આધારે ઉપરોકત ત્રણેવ જણાં સામે ખુનની કોશિષનો ગુન્હોં નોંધી તપાસ હાથ ધરી છે.