(સંવાદદાતા દ્વારા)
ધોળકા,તા૨૧
ધોળકાથી પવિત્ર હજયાત્રાએ સઉદી અરબ ગયેલા એક મહિલા બિમારીના કારણે મક્કા શરીફમાં જન્નતનશીન થયા છે. આ બનાવની જાણ થતાં જ અબ્દાલવાડામાં મર્હૂમાનાં નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે અબ્દાલવાડા વિસ્તારમાં રહેતા ધોળકા સુન્ની મુસ્લિમ વકફ કમિટીના મેનેજર ભીખુમિયાં શેખ તથા તેમની પત્ની સકીનાબાનું એક અઠવાડિયા પહેલા હજ પઢવા માટે સઉદી અરબ રવાના થયા હતા. પવિત્ર મક્કા શરીફમાં સકીનાબાનું શેખ (ઉ.વ.૫૭) બિમાર પડી જતાં તેઓનું તા.૨૦/૮/૨૦૧૭, રવિવારે સાંજે અવસાન થયું હતું. આ બનાવની જાણ ધોળકા ખાતે થતાં રાત્રે મર્હૂમા સકીનાબેનનાં નિવાસસ્થાન ખાતે તેમના સગાસંબંધીઓ તથા ગામના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સકીનાબેનની મક્કા શરીફમાં જ દફનવિધિ કરવામાં આવી હતી. મર્હૂમાની ઝિયારત તા.૨૨/૮/૨૦૧૭, મંગળવારે સવારે ૮.૩૦ વાગે ધોળકાની જુમ્મા મસ્જિદમાં રાખવામાં આવેલ છે.