(એજન્સી) હૈદરાબાદ, તા. ૧૯
મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપ્યા પછી ગણતરીના કલાકોમાં રાજીનામુ આપનાર જજ કે. રવિન્દ્ર રેડ્ડી ગુરૂવારે પોતાની ફરજ ઉપર હાજર થયા હતા. હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રમેશ રંગનાથને એમના ફક્ત રાજીનામા જ અસ્વીકાર નથી કર્યા પણ એ સાથે એમણે માંગેલ ૧પ દિવસની રજાઓ પણ નામંજૂર કરી હતી અને રેડ્ડીને તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવ્યું હતું. મેટ્રોપોલિટન સેશન્સ જજે ૧૬મી એપ્રિલે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપ્યા પછી રાજીનામાના દસ્તાવેજો રજૂ કર્યા હતા.
કેસમાં પાંચ આરોપીઓને નિર્દોષ છોડ્યા પછી અંગત કારણો જણાવી રાજીનામું આપ્યું હતું.
ચુકાદા પછી જજની સુરક્ષા વધારાઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે વિશેષ એલર્ટ અપાયુ નથી પણ સાવચેતીના પગલે જજ રેડ્ડીની સુરક્ષા વધારાઈ હતી.
હાલમાં જજ રેડ્ડી એક મામલામાં વિજિલન્સની તપાસનો સામનો કરી રહ્યા છે. એક અરજદારે ફરિયાદ કરી હતી કે જમીન વિવાદના એક કેસમાં રેડ્ડીએ આરોપીને જામીન આપતી વખતે ગેરવ્યાજબી ઉતાવળ કરી હતી જેમને અન્ય કોર્ટેએ પાંચ વખત જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.
રેડ્ડીએ પોતાના બચાવમાં કહ્યું કે કાયદાના સ્થાપિત સિદ્ધાંતો મુજબ જામીન આપ્યા હતા.
રેડ્ડીને ર૦૧૬ના વર્ષમાં પણ હાઈકોર્ટે બરતરફ કર્યા હતા. તેલંગાણા અને આંધ્રપ્રદેશના ભાગલા વખતે જજોના પ્રશ્ને એમણે દેખાવો કરતા એમને બરતરફ કરાયા હતા. તે વખતે રેડ્ડીએ તેલંગાણાના જજ એસોસીએશનના અધ્યક્ષ હતા.