(એજન્સી) હૈદરાબાદ, તા. ૧૯
હૈદરાબાદથી સાંંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે ફરી વિવાદિત નિવેદન કરતા જણાવ્યું કે હાલના સમયમાં જે કોઈપણ લોકો આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે તે તમામ નાથૂરામ ગોડસેના બિનકાયદેસર સંતાનો છે તેમણે કહ્યું કે આતંકવાદ પોતે જ એક નવો ધર્મ ૃબની ગયો છે. મક્કા મસ્જિદ, અજમેર શરીફ અને સમજૌતા એક્સપ્રેસમાં વિસ્ફોટ કરનાર એ તમામ લોકો નાથૂરામ ગોડસેના ગેરકાયદેસર સંતાનો છે. મક્કા મસ્જિદ પરના નિર્ણય અંગે ઓવૈસીએ ભાજપ સરકાર પર પીડિતોને બદલે આરોપીઓની તરફેણ કરતો હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ આ દેશની પહેલી એવી સરકાર છે. જે વિસ્ફોટમાં જાન ગુમાવનાર સાથે નહીં પરંતુ વિસ્ફોટ કરનારા આરોપીઓને વફાદાર છે. હૈદરાબાદ સાંસદે દાવો કર્યો કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પણ ભાજપના દબાણને કારણે વિસ્ફોટના આરોપીઓ પ્રત્યે નરમ વલણ દાખવ્યું છે. ઓવૈસીએ મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલે ફરીથી ટ્રાયલની માગણી કરી હતી. એમનું માનવું છે કે આ મામલે પીડિત પક્ષ સાથે ન્યાય કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલને મળીને મક્કા મસ્જિદ વિસ્ફોટ સાથે સંબંધિત તમામ તથ્યોની જાણકારી આપશે.