રાજકોટ, તા.૧૨
છેલ્લા ૧૨ દિવસથી સૌરાષ્ટ્રના ૨૮ માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે હડતાળ પાડવામાં આવી હતી. શનિવારે મોડી સાંજે હડતાળ સમેટી લેવામાં આવી હતી. ત્યારે વહેલી સવારથી જ યાર્ડમાં જુદી-જુદી ખેત પેદાશોની આવક શરૂ થઈ હતી. સૌથી વધુ મગફળીની આવક થઇ રહી છે. તેમજ કપાસની પણ મોટી પ્રમાણમાં આવક થઇ છે.
૧૨ દિવસ બાદ આજે હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે યાર્ડમાં જીરૂં, તલ, કપાસ, મગફળી અને કઠોળની આવક થવા પામી હતી. મગફળીની અંદાજે ૫૫થી ૬૦ હજાર ગુણીની આવક થઈ હતી. તો બીજી તરફ ખેડૂતોને પૂરતા ભાવ ન મળ્યાની રાવ પણ ઊઠી હતી. ખેડૂતોને મણના ૭૩૦થી લઈ ૯૫૦ રૂા.ના ભાવ ઉપજ્યા હતા. સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો ભાવ ૧૦૦૦ રૂપિયા રાખ્યો છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઉધાર લીધેલા બિયારણના પૈસા ચૂકવવા તેમને ફરજિયાત ઓછા પૈસે મગફળી વહેંચવી પડે છે. સાથે જ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ક્યારે મગફળી સરકાર ખરીદશે તે પણ નક્કી નથી હોતું. જેથી ખેડૂતોને મણ દીઠ હાલ ૨૦૦થી ૨૫૦ રૂપિયા ઓછા મળી રહ્યા છે.