(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩૧
સૌરાષ્ટ્રના ગોંડલમાં સરકાર દ્વારા ખરીદાયેલી કરોડો રૂપિયાની મગફળીનો જથ્થો ખાનગી ગોડાઉનમાં બળીને ખાખ થઈ જવાની ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી દીધી છે. સરકારી મગફળીના જથ્થાની ખરીદી અંગે કૌભાંડની વાતો બહાર આવ્યા બાદ આ રીતે અચાનક આગ લાગવાની ઘટનાથી અટકળોનું બજાર ગરમ થઈ જવા પામ્યું છે ત્યારે સરકાર દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરવાના આદેશો જારી કરવા સાથે ફોરેન્સિક પાઠવવામાં આવી છે. આ ઉપરાંત પ્રાંત અધિકારી મેજિસ્ટ્રેરિયન તપાસ પણ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને સંપૂર્ણ ગંભીરતાથી લીધી હોવાનો દાવો પણ કર્યો છે. મગફળીનો પાક વધુ થવાને કારણે રાજ્યમાં તેના ભાવો તળિયે જતા સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી. આ પ્રકારે ખરીદાયેલ મગફળીની બે લાખ જેટલી બોરીનો જથ્થો ગોંડલમાં ખાનગી જીનિંગ મિલના વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો. આ જથ્થામાં આગ લાગતા આશરે રૂા.૩પથી ૩૬ કરોડની મગફળી બળીને ખાખ થઈ જવા પામી હતી. આ વેરહાઉસમાં આગની ઘટના વખતે કોઈ કામ કરતું ન હતું ત્યારે બીડી કે સિગારેટથી આગ લાગવાની શક્યતા નકારાઈ રહી છે તો આ સ્થળે ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળ્યો હતો ત્યારે અહીં એકાએક લાગેલી આગે અનેક શંકાસ્પદ પ્રશ્નો ઊભા કરી દીધા છે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આગ લાગવાની ઘટનાને રાજ્ય સરકારે સંપૂર્ણ ગંભીરતાથી લીધી છે. સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય મેજિસ્ટ્રેરિયલ તપાસ માટે ગોંડલ પ્રાંત અધિકારીને આદેશો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક પણ આ સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ એફએસએલની મદદથી કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું કે મગફળીનો આ મોટો જથ્થો બળી જવાની ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરીને કસૂરવાર-જવાબદાર સામે સખત પગલાં રાજ્ય સરકાર ભરશે તેમજ આ બાબતે કોઈની પણ પ્રત્યે કૂણું વલણ દાખવવામાં નહીં આવે કે બક્ષવામાં નહીં આવે.