(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.ર
મોરબીમાં મચ્છુ-૨ સિંચાઇ યોજનાના કેનાલના કામમાં ગુનાહિત બેદરકારી તેમજ ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્‌સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત અરજી દ્વારા કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાની મચ્છુ-૨ સિંચાઇ યોજનાની કેનાલને લિફ્ટ ઇરિગેશનમાં તબદીલ કરવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જે કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. જે કામની ગતિ ખૂબ જ ધીમી છે જેના કારણે ખેડૂતો પરેશાન છે. આ ધીમી ગતિ શા કારણે છે ? તેના માટે જવાબદાર કોણ છે ? તેની તપાસ કરાવીને જવાબદાર સામે કાયદેસરના પગલાં લેવાં માગણી કરાઈ છે. જો સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો કોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની ફરજ પડશે, તેવી ચીમકી આપી છે. તેમજ આ કેનાલના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચા છે, તો આની તપાસ કરાવીને જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવા પણ માગણી કરાઈ છે.
વધુમાં, આ કામ પૂર્ણ ન થવાના કારણે ચાલુ સિઝનમાં રવીપાકનું વાવેતર થઈ શકેલ નથી જેના કારણે આ કેનાલના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન જવા પામેલ છે. તેમજ રાષ્ટ્રને ઉત્પાદનમાં પણ ખોટ આવેલ છે અને હજુ પણ ઉનાળુ સિંચાઇ થાય તેવું પણ લાગતું નથી, તો આના માટે જવાબદારોની જવાબદારી નક્કી કરીને તેના વિરૂદ્ધ કાયદેસરના પગલાં લેવા માગણી કરાઈ છે.