(એજન્સી) તા.૧૮
કેરળના કથિત લવજિહાદ કેસમાં સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં હાદિયા ઉર્ફે અખિલા અશોકનના નિકાહને કાયદેસરના બક્ષી મોટી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટ પછી હવે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા પણ પીડિત યુગલોને મોટી રાહત મળી છે. મીડિયા અહેવાલો પ્રમાણે એનઆઈએ દ્વારા કેરળમાં લવજિહાદ સાથે જોડાયેલા લગભગ બધા જ કેસોની તપાસ બંધ કરી દીધી છે. એનઆઈએ હદિયા જેવા ૧૧ કેસોની તપાસ કરી રહી હતી જેમાં ૮૯ યુગલોએ આંતરધર્મીય લગ્ન કર્યા હતા. એક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે આ કેસોની તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે એનઆઈએને કોઈ મજબૂત પુરાવાઓ મળ્યા ન હતા. અહીં આંતરધર્મીય લગ્ન તો થયા હતા પરંતુ તે એક આયોજનબદ્ધ ષડયંત્ર હેઠળ થયા હતા એના કોઈ પુરાવા મળ્યા નથી. સમાચારપત્રના અહેવાલ પ્રમાણે એનઆઈએ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે એનઆઈએ માટે આ લવજિહાદના કેસો બંધ થઈ ગયા છે. આ બધા કેસોમાં કોઈ યુવક-યુવતીને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હોય તેના કોઈ પુરાવા નથી.