કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસનાં બહાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં કાર્યાલયને ટિ્‌વટર પર ટેગ કરતા લખ્યું છે કે , ‘પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સથી મજાક કરીને ભારતનો સમય બરબાદ કરવાનું બંધ કરી દો. ભારત કટોકટીનાં સમયમાંથી પસાર થઈ રહ્યું છે. અત્યારે કોરોના વાયરસ ભારત માટે પડકાર બન્યો છે, જેને પહોંચી વળવા પર ધ્યાન આપવું જોઇએ.’ એક અન્ય ટ્‌વીટમાં રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર એક વિડીયો શેર કરતા પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘જીવનમાં અનેક પળો એવી આવે છે જ્યારે દેશ પોતાના નેતાઓને પારખે છે. એક સાચા નેતાનું સંપૂર્ણ ધ્યાન સામૂહિક સંકટને પહોંચી વળવા પર હોય છે. કોરોના વાયરસની અસર ભારત અને ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે.’ આ પહેલા એક અન્ય ટ્‌વીટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કોરોના વાયરસ આપણી જનતા માટે ઘણો જ ગંભીર ખતરો છે. આ આપણી અર્થવ્યવસ્થા માટે ખતરનાક છે. મને લાગે છે કે આ બીમારીની ગંભીરતા પર સરકારનું ધ્યાન નથી. સમયસર એક્શન ના લેવી ખતરનાક સાબિત થઈ શકે છે.’