(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
પંજાબના પૂર્વ પ્રધાન વિક્રમસિંહ મજેઠિયા પર ડ્રગ્સનો આરોપ લગાવ્યા બાદ કેજરીવાલે અંતે માફી માગતા આપના નેતાઓ નારાજ થયા છે. રાજ્યસભા સાંસદ સંજયસિંગે આ મુદ્દે અરવિંદ કેજરીવાલથી અલગ થયા છે. પરંતુ તેમણે કહ્યું કે, મજેઠિયા ડ્રગ્સ ડીલર છે અને તેમને જેલમાં જવું જોઈએ. પક્ષના રાજ્ય એકમમાં નારાજગી અંગે આપ નેતાઓએ ભગવંત માન સાથે વાત કરવી જોઈએ.
સંજયસિંગે કહ્યું કે વિક્રમ મજેઠિયાએ પંજાબના યુવાનોની જિંદગી બરબાદ કરી નાંખી. એસટીએફના રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ મજેઠિયાની તાત્કાલિક ગિરફતારી થવી જોઈએ. પંજાબ પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ભગવંત માને કેજરીવાલથી નારાજ થઈ રાજીનામું આપ્યું હતું. દરમિયાન કેજરીવાલ અરૂણ જેટલીની પણ ટૂંકમાં માફી માંગશે. જેટલીએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર કેસ કરી ૧૦-૧૦ કરોડના વળતરની માગણી કરી છે. કેજરીવાલ પર દેશમાં માનહાનિના ઘણા દાવા ચાલે છે. તેમજ ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ પણ કેસ ચાલે છે. આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આ મુકદમા અમને કાનૂની મામલાઓમાં ગૂચાયેલા રાખવા માટે દર્જ કરાયા છે. આ તમામ મામલા સહમતિથી ઉકેલવા પ્રયાસ ચાલે છે.