(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૨૯
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામના પાટિયા નજીક રાધનપુર-કંડલા હાઈવે ઉપર આજે સવારના સમયે મજૂરો ભરી જઈ રહેલ ટ્રેક્ટરને સામેથી આવી રહેલા ટ્રેલરે ધડાકાભેર ટક્કર મારતા ટ્રેક્ટરમાં બેઠેલા બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ગામના મજૂરો રોડ પર ફંગોળાયા હતા. જેમાંથી એક જ પરિવારના પાંચ સભ્યો ઉપર ટ્રેલરના તોતિંગ વ્હીલો ફરી વળતા રોડ પર જ કમકમાટીભરી રીતે મોતને ભેટ્યા હતા. જ્યારે અન્ય પાંચ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ બોલાવી પાટણ, રાધનપુર અને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ગમખ્વાર અકસ્માતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. અકસ્માતની પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ગામના ૫૦ જેટલા મજૂરો છેલ્લા એક મહિનાથી સાંતલપુર ખાતે વસવાટ કરતા હતા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જીરા સહિતના પાકોના નિંદામણ કરવા માટે ખેતમજૂરીએ જઈ રહ્યા હતા. ત્યારે આજે સવારના સમયે સાંતલપુરથી ટ્રેક્ટર નં.જીજે-૧ર-એએન-૮૦૩૩મા બેસીને ર૦ જેટલા મજૂરો મઢુત્રા ગામે જીરાના પાકનું નિંદામણ કરવા માટે મજૂરીએ જઈ રહ્યા હતા. દરમિયાન ગરમાડી ગામના પાટિયા પાસે વળાંકમાં સામેથી માતેલા સાંઢની જેમ આવી રહેલ ટ્રેલર નં.આરજે-૦૧-જીબી-૯૧૯૦ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી ધડાકાભેર ટ્રેક્ટરને સામેથી ટક્કર મારતાં ટ્રોલી ઉથલી પડી હતી. જમાં બેઠેલા મજૂરો રોડ પર ફંગોળાયા હતા. ફંગોળાયેલા આ મજૂરો પૈકી એક જ પરિવારના પાંચ સભ્યો એવા વૃદ્ધ માતા-પુત્ર, તેમના પુત્ર અને પુત્રી મળી ચાર સભ્યો ઉપર ટ્રેલરના તોતિંગ વ્હીલો ફરી વળતા કમકમાટીભર્યા દૃશ્યો સર્જાયા હતા. અન્ય ૬ શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચાડી ટ્રેલર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. અકસ્માત સર્જી ટ્રેલરચાલક જીવ બચાવવા વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત પૈકી સારવાર માટે લઈ જવાતા એક જણાનું રસ્તામાં જ મોત નિપજતા મૃત્યુઆંક પાંચ થયો હતો. વહેલી સવારના સમયે સર્જાયેલ ધડાકાનો અવાજ સાંભળી નજીકના ગામલોકો રોડ પર દોડી આવ્યા હતા અને દર્દથી કણસતા ઈજાગ્રસ્તોને ૧૦૮ બોલાવી રાધનપુર, પાલનપુર અને પાટણ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતની જાણ રાધનપુર અને સાંતલપુરના વહીવટી અધિકારીઓને થતાં તેઓ પણ ઘટનાસ્થળે અને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં મૃતકોનું પીએમ કરાવી તેમના વારસદારોને મૃતદેહો સોંપ્યા હતા.
મજૂરો ભરી જઈ રહેલ ટ્રેક્ટરને ટ્રેલરે ટક્કર મારતાં એક જ પરિવારના પાંચનાં કરૂણ મોત

Recent Comments