(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
ભાજપ માટે એક મોટી આંચકાજનક ઘટના બની હતી. ભાજપની સરકારે મણિપુરમાં બહુમતી ગુમાવી છે. ઉપરાંત ટીએમસી, એનપીપીના સભ્યોએ પણ પક્ષપલ્ટો કર્યો છે. એનપીપી, ટીએમસી અને ભાજપના લગભગ આઠ જેટલા ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા છે. એનપીપીના ચાર, ભાજપના ત્રણ અને ટીએમસીના એક ધારાસભ્ય મળી કુલ આઠ સભ્યો કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. કેબિનેટમાં એનપીપીના ચાર મંત્રીઓ હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી વાય. જોયકુમારસિંહ, આદિવાસી અને પછાત વિકાસ મંત્રી એનકેવીસી, યુવા તથા રમત બાબતોના મંત્રી લેટપાઓ હાઉકીય તેમજ આરોગ્ય તથા કુટુંબ કલ્યાણ મંત્રી એલ. જયંતકુમારસિંહનો સમાવેશ થાય છે. ગત વર્ષે ભાજપના ગઠબંધનવાળી સરકાર સાથે નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)એ છેડો ફાડયો હતો. મણિપુરમાં વિધાનસભામાં કુલ ૬૦ બેઠકો છે. જેમાંથી ર૧ ભાજપના ધારાસભ્યો છે. કેસરિયા પાર્ટીને એનપીપીના ચાર, ઉપરાંત એલજેપી, અપક્ષ તથા ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસના એક એક ધારાસભ્યોનો ટેકો હતો. ર૦૧૭ની ચૂંટણીમાં ર૮ ધારાસભ્યો સાથે કોંગ્રેસ પાસે સૌથી વધુ સંખ્યાબળ હતું. પણ રાજયપાલે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું.

મણિપુરમાં ‘રિવર્સ ઓપરેશન કમલ’ : આ કઈ રીતે થયું
અને તે કેમ રાજ્યસભાની ચૂંટણી સાથે જોડાયેલ છે ?

કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જેવી હાલત કોંગ્રેસની થઈ હતી તેવી જ હાલત હવે મણિપુરમાં ભાજપની થઈ છે. મણિપુરમાં રિવર્સ ઓપરેશન કમલ હાથ ધરાયું હતું. રાજયસભાની ચૂંટણીની આગલી સાંજે જ ભાજપનો ખેલ ખરાબ થયો હતો. મણિપુરમાં નવ ધારાસભ્યોએ ભાજપ સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હતો. જેના પગલે એન. બિરેનસિંહની સરકાર સામે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. હવે આ સરકારનો આધાર રાજયપાલ નજમા હેપ્તુલ્લાહ પર છે. ૬૦ સભ્યોની મણિપુર વિધાનસભામાં હાલ પ૯ ધારાસભ્યો છે જયારે કોંગ્રેસના એક ધારાસભ્ય શ્યામકુમારસિંહને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ર૦૧૭માં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીના તુરંત બાદ સિંહ ભાજપમાં જોડાયા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને ર૮ અને ભાજપે ર૧ બેઠકો જીતી હતી. જો કે ભાજપે અન્ય પક્ષોના ટેકાથી મણિપુરમાં સરકાર રચી હતી. ભાજપને કોંગ્રેસના સાત સભ્યોનું સમર્થન પ્રાપ્ત હતું. પણ આ લોકોને ગેરલાયક ઠેરવવા અંગે મણિપુર હાઈકોર્ટમાં કેસ પડતર છે. જયાં સુધી આ કેસમાં ચુકાદો ન આવે ત્યાં સુધી આ સાત ધારાસભ્યો રાજયસભાની ચૂંટણી માટે મતદાન કરી શકતા નથી ગત સપ્તાહે જ હાઈકોર્ટે આ સભ્યોના વિધાનસભા પ્રવેશ સામે પ્રતિબંધ મુકયો હતો. બીજી તરફ કોંગ્રેસે અન્યોના સમર્થનથી રાજયમાં સરકાર રચવાના પ્રયાસો તેજ કર્યા છે.