(એજન્સી) તા.૨૫
મણિપુરમાં ભાજપ સરકાર પર છવાયેલી સંકટ ટળી ગયું છે. ભાજપ સરકારની કામગીરીથી નારાજ થઈને મંત્રી પદ પરથી રાજીનામું આપનારી સહયોગી પાર્ટી NPPના ચારેય ધારાસભ્યો આખરે માની ગયા છે. આસામના મંત્રી હેમંત બિસ્વા શર્માની પહેલ બાદ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના ઘરે બુધવારે સાંજે બેઠકો યોજાઈ હતી. જે બાદ સમાધાન કરવામાં આવ્યું છે. ભાજપ વતી બુધવારે રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ પણ ઈમ્ફાલ જવા રવાના થયા હતા. તેમને ભાજપના નેતૃત્વ હેઠળની સરકારને પડી ભાંગતા બચાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મેઘાયલના મુખ્યમંત્રી અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના પ્રમુખ કોરનાડ સંગમા અને મણિપુર સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા જય કુમાર સિંહના નેતૃત્વમાં પાર્ટીના પ્રતિનિધિ મંડળની બેઠકમાં તમામ નારાજગી દૂર કરવામાં આવી હતી. જે બાદ તમામ ધારાસભ્યોએ ભાજપની સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મણિપુરમાં ભાજપની સરકાર બચાવવાનો સંપૂર્ણ શ્રેય હેમંત બિસ્વા શર્માને જાય છે. અસમના મંત્રી અને નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)ના અધ્યક્ષ હેમંત બિસ્વા શર્માએ મિટિંગ સફળ થયા બાદ ટ્‌વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, મેઘાલયના મુખ્યમંત્રી કોરનાડ સંગમા અને મણિપુરના નાયબ મુખ્યમંત્રી જય કુમાર સિંહના નેતૃત્વમાં NPPનું પ્રતિનિધિ મંડળ ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું. આ દરમિયાન NPP અને BJPએ ગઠબંધનમાં મણિપુરમાં વિકાસ કાર્યોને વેગ આપવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે, ૧૭ જૂને રાજ્યસભા ચૂંટણી પહેલા મણિપુર ભાજપના ૩ ધારાસભ્યોએ રાજીનામું આપીને કોંગ્રેસન હાથ પકડ્યો હતો. જ્યારે સહયોગી પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના ચારેય મંત્રીઓએ પણ નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપીને સરકારને આપેલું સમર્થન પરત ખેંચી લીધુ હતું. જેમાં NPP ક્વોટાથી નાયબ મુખ્યમંત્રી બનેલા જય કુમાર સિંહ પણ સામેલ હતા. આ સિવાય TMC અને અપક્ષના એક-એક ધારાસભ્યો પણ સરકારથી અલગ થઈ ગયા હતા. આમ કુલ ૯ ધારાસભ્યોએ બળવો પોકાર્યા બાદ બિરેન સિંહની સરકાર પર સંકટના વાદળો ઘેરાયા હતા. જો કે ૧૯ જૂને રાજ્યસભા ચૂંટણીમાં ૧ સીટ ભાજપ જીતવામાં સફળ રહ્યું હતું. ભાજપના ઉમેદવારને ૨૮ મત મળ્યા હતા. જે બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને તે સરકાર બચાવવાના કામે લાગી ગયું હતું. ગૃહમંત્રી અમિત શાહે પોતાના વિશ્વાસુ અસમના મંત્રી હેમંત બિસ્વા શર્માને મણિપુરમાં સરકાર બચાવવાના મિશનમાં લગાવી દીધા હતા. હેમંત બિસ્વા શર્માએ અસંતુષ્ટ ૪ ધારાસભ્યો સાથે વાત કરીને તેમને મનાવવાની કોશિશ કરી. ૨૩-જૂને હેમંત બિસ્વા શર્મા ઈમ્ફાલ પહોંચ્યા હતા. આ દરમિયાન આ ધારાસભ્યો દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત માટે રાજી થઈ ગયા. આમ પણ મેઘાલયના મુખ્યમંત્રી કોરનાડ સંગમા NPPના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.આથી તેઓ પણ પોતાના ધારાસભ્યોને મનાવવા લાગ્યા. એક રણનીતિ અંતર્ગત બન્ને નેતાઓ ૪ અસંતુષ્ટ ધારાસભ્યોને લઈને દિલ્હી પહોંચ્યા હતા. અહીં અમિત શાહ સાથે બેઠક તેઓ મણિપુર સરકારને સમર્થન આપવા માટે રાજી થઈ ગયા. બીજી બાજુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.