એરેન્દ્રો લિંચોબામ રાજ્યમાં ભાજપ શાસિત ગઠબંધન સરકારના સખત આલોચક રહ્યા છે. ભૂતકાળમાં પણ તેમની ધરપકડ થઇ હતી

(એજન્સી) તા.૩૦
મણિપુર પોલીસે જાણીતા રાજકીય કાર્યકર એરેન્દ્રો લિંચોબામ સામે તેમણે ૨૫, જુલાઇના રોજ પોતાના ફેસબુક પેજ પર કરેલ ટિપ્પણી બદલ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. પોલીસે તેમની ફેસબુક પોસ્ટની વિગતો જાહેર કરી નથી, પરંતુ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મણિપુરના રાજયસભાના નવા ચૂંટાયેલા સાંસદ ડિસેમ્બા સાનાબા ઓબાની મુલાકાત પર આ ફેસબુક પોસ્ટ લખવામાં આવી હતી. જેમાં તેમણે મણિપુરના નામધારી રાજા સાનાજા ઓબા અમિત શાહ સામે હાથ જોડીને નતમસ્તકે નમન કરી રહ્યાં હોય એવી તસવીર શેર કરી હતી. લિંચોબામે ચિત્ર નીચે મેઇતેઇ ભાષામાં લખ્યું હતું, મિનાઇ માચા. જેનો અર્થ થાય છે સેવકનો પુત્ર. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે મંગળવારે લિંચોબામ વિરુદ્ધ આઇપીસીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલામાં તપાસ જારી છે. સૂત્રોએ વધુ જાણકારી આપવાનો ઇન્કાર કર્યો છે. મે,૨૦૧૮માં પણ ભાજપ શાસિત ગઠબંધન સરકારના ઉગ્ર ટીકાકાર મનાતા એરેન્દ્રો લિંચોબામની ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કરવા બદલ પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એવો દાવો કર્યો હતો કે આ વીડિયો જુદા જુદા સમુદાયો વચ્ચે શત્રુતા ઊભી કરે છે. એ વર્ષે જૂનના પ્રથમ સપ્તાહમાં સ્થાનિક કોર્ટે છોડી મૂક્યા હતા. ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી પૂર્વે એરેન્દ્રો લિંચોબામે અફ્સ્પા વિરુદ્ધ ૧૬ વર્ષના પોતાના ઉપવાસ છોડ્યા બાદ ઇરોમ શર્મિલા સાથે રાજકીય સંગઠન પીપલ્સ રીસર્જન્સ એન્ડ જસ્ટિસ અલાયન્સની રચના કરી હતી. તેમણે ચૂંટણી પણ લડી હતી પરંતુ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો અને મણિપુરમાં પ્રથમ વખત ભાજપની સરકાર સત્તારૂઢ થઇ હતી. લિંચોબામે પાછળથી ફેસબુક પર લખ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું પાલન કરવા માટે સરકારે મારા પર દેશદ્રોહનો કેસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે હું સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યો હોવાથી મને નિશાન બનાવવામાં આવે છે. પોલીસ એરેન્દ્રોને કસ્ટડીમાં લઇ શકી નથી કારણ કે તે દિલ્હીમાં છે. તેમણે જણાવ્યું હતું કે મને હવે મણિપુર પરત જતાં ડર લાગે છે કારણ કે સરકાર પત્રકાર કિશોરચંદ્રની જેમ મને પણ જેલમાં ધકેલી દેશે. એરેન્દ્રોએ હાવર્ડ યુનિ.માંથી શિક્ષણ લીધું છે.