અમદાવાદ, તા.રપ
૨૬મી જાન્યુઆરી-૧૯૫૦ ના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો અને તેના એક દિવસ પૂર્વે તારીખ ૨૫મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે ૨૦૧૧થી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે લોકતંત્રની સાચી ઓળખ છે. મતદાતાએ લોકશાહીના સંરક્ષક છે.
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતમાં વિવિધ સંસ્કૃતિ, ભાષા, ધર્મ-સંપ્રદાય, પ્રાંત, ભૌગોલિક પરિસ્થિતિ, શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અનેક અડચણો વચ્ચે પણ દેશમાં ચૂંટણી પ્રક્રિયાઓ સફળ રીતે સંપન્ન થાય છે તે માટે તેમણે તમામ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જુદા-જુદા જિલ્લાના કલેક્ટરો જિલ્લા ચૂંટણી અધિકારીઓ સહિત મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને કેમ્પસ નાયબ મામલતદારો, સુપરવાઈઝર્સ, કેમ્પસ એમ્બેસેડર તેમજ બૂથ લેવલ ઓફિસર્સને મતદારયાદી સુધારણામાં સારી કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.