(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૪
આજે વિશ્વભરમાં ઈસ્લામ અને મુસલમાનોને બદનામ કરવાની સાઝિસો રચાઈ રહી છે તેમાં કહેવાતા મુસલમાનો પણ સામેલ છે. તાજેતરમાં શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ મદ્રસાઓ આતંકવાદ ફેલાવે છે તે બંધ કરી દેવા જોઈએ તેવું બકવાસ નિવેદન આપ્યું હતું રિઝવીના આવા નિવેદન સામે વિરોધ ઊઠી રહ્યો છે ત્યારે માનવ અધિકાર સુરક્ષા સંઘના પ્રેસિડેન્ટ અ.કાદર શેઠવાલાએ આ નિવેદનનો વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે મદ્રસાઓ આતંકવાદ નહીં પરંતુ શાંતિ, સલામતી અને દુશ્મનોને માફ કરવાનું શીખવે છે.
અમેરિકાની કોર્ટમાં તાજેતરમાં એક ખૂન કેસમાં આવેલા ચુકાદા સંદર્ભે અ.કાદર શેઠવાલાએ જણાવ્યું હતું કે અમેરિકાની કોર્ટે ટ્રે એલેકઝાન્ડર નામના એક હત્યારાને ર૧ વર્ષની સજા ફટકારી હતી. પરંતુ ભરચક કોર્ટમાં જેની હત્યા થઈ હતી. તે યુવાનના પિતાએ આ હત્યારાને માફ કરી દીધો હતો અને જણાવ્યું હતું કે ‘મારો પુત્ર પાછો આવવાનો નથી, પરંતુ ઈસ્લામનો અસલ ચહેરો દુનિયાને બતાવવા હું આ હત્યારાને માફ કરૂં છું.’ એ પછીની ઘટનાઓ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયોમાં હૃદયદ્રાવક રીતે દર્શાવાઈ છે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વસીમ રિઝવીએ મદ્રસા અંગે જે નિવેદન કર્યું છે. તે વખોડવા લાયક છે સાથે ઉકત ઘટનાનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું કે મદ્રસાઓમાં આતંકવાદીઓ પેદા થતા નથી પરંતુ શાંતિ, સલામતી, પાડોશીઓ સાથે સદવર્તન, દુશ્મનોને માફ કરી દેવા જેવી અનેક માનવતા અને માનવ સભ્યતાને જીવંત રાખવાની વાતો શીખવાની તાલીમ આપવામાં આવે છે. અમેરિકામાં જે મુસલમાન વૃધ્ધે પોતાના પુત્રના હત્યારાને માફ કરી ગળે લગાવ્યો હતો તે વૃધ્ધ મદ્રસામાં તાલીમ પામેલા હતા. ત્યારે વસીમ રિઝવી જેવા ગદ્દારોના બકવાસ કરવાથી સત્ય છુપાઈ રહેવાનું નથી.