(સંવાદદાતા દ્વારા)
દાહોદ, તા.ર૧
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનુંગોએ કોરોના વાયરસ દરમિયાન દેશભરના મદરેસામાં ભણતા બાળકોને થતી સમસ્યાઓ જાણવા વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ વીડિયો કોન્ફરન્સિંગમાં દેશભરના વિવિધ સંગઠનો અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના પ્રિયંકા કાનુન્ગોની અધ્યક્ષતામાં આયોજિત સંમેલનમાં દેશના લગભગ તમામ રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના હાજી એજાઝખાન પઠાણ, રોશન સફર વકફ દાહોદ અને જિલ્લા બાળ સુરક્ષા એકમમાં કાર્યરત લીગલ કમ પ્રોબેશન ઓફિસર અબ્દુલ વસીમ જી. કુરેશીએ આ અંગે તેમના સૂચનો રજૂ કર્યા હતા.
સંમેલનમાં સામેલ વિવિધ એનજીઓ, બુદ્ધિ જીવીઓ દ્વારા આયોગના ચેરમેન ને કોવિડ -૧૯ કોરોના વાયરસ દરમિયાન મુશ્કેલીઓ વિશે માહિતગાર કર્યા હતા. સંમેલનમાં રાષ્ટ્રીય લઘુમતી શિક્ષણ મોનિટરિંગ સમિતિના સભ્ય જાવેદ મલિકે બાળ અધિકારના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગમાં એક મદરેસા સેલ બનાવવાની ભલામણ કરી હતી, જે અંગે ચેરમેન દ્વારા હકારાત્મક આશ્વાસન આપવા માં આવેલ તેમજ રાજ્યોમાં, મદરેસાઓમાં ફસાયેલા બાળકોને તેમના ઘરે પહોંચાડવા અંગે તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી હતી. બાળ અધિકારના આયોગના ચેરમેને જણાવ્યું કે, તમામ રાજ્યોમાં એક મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવશે.