(એજન્સી) તા.ર૯
મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે કહ્યું કે, ઉર્દૂ ટીઈટી પાસ લોકોની નિમણૂંકની પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓનો જરૂરથી ઉકેલ લવાશે. આ મામલે અમે જાતે નિરીક્ષણ કરીશું. વિધાનમંડળ સત્ર સમાપ્ત થયાના તાત્કાલિક બાદ આ મામલે સંકળાયેલા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવશે. સ્થાનિક રવિન્દ્ર ભવનમાં સ્વ.ગુલામ સરવર જયંતિ પર આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે આ વાત કહી હતી. તેમણે આ સમારોહમાં કાર્યક્રમના આયોજક ગુલામ ગૌસએ ઉર્દૂ ટીઈટી પાસ લોકોની નિમણૂંકનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉર્દૂ ટીઈટી પાસ લોકોની સંખ્યા ર૭ હજાર છે અને તેમાંથી અત્યાર સુધી માત્ર ૧ર હજારની નિમણૂંક થઈ શકી છે. મુખ્યમંત્રી કહે છે કે ઉર્દૂ કોઈ ધર્મ વિશેષની ભાષા નથી એ તો હિન્દુસ્તાનની ભાષા છે . તેમણે કહ્યું કે સરકારી મદ્રેસામાં ભણતાં વિદ્યાર્થીઓને પણ હવે શિષ્યવૃત્તિ આપવામાં આવશે તથા મદ્રેસામાં અપાતી સુવિધાઓમાં પણ ધરખમ વધારો કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, લઘુમતી સમુદાયના યુવાઓને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. લઘુમતી યુવાઓને ઉદ્યમ સહાયતા માટે નક્કી વાર્ષિક બજેટની રકમ પણ વધારી દેવાઈ છે. આ પ્રસંગે ગુલામ સરવરને યાદ કરતાં નીતિશ કુમારે કહ્યું કે, બિહારના શિક્ષણ ક્ષેત્રમાં કરેલા તેમના કામોને ક્યારેય ભૂલાવી નહીં શકાય. તેમણે બિહારમાં ઉર્દૂ માટે સૌથી વધુ કામ કર્યા છે. નીતિશ કુમારે કહ્યું કે, લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ જે પ્રથમ ગ્રેડ સાથે પાસ થતા હતા તેમને અમે ૧૦ હજાર રૂપિયા પુરસ્કાર તરીકે આપવાની શરૂઆત કરી હતી. તેના કારણે પ્રથમ ગ્રેડ સાથે પાસ થનારા લઘુમતી વિદ્યાર્થીઓની સંખ્યા રર૦૦-ર૩૦૦થી વધીને રપ-ર૬ હજાર થઈ ગઈ છે. ચાલુ વર્ષે મદ્રેસા પાસ કરનાર વિદ્યાર્થીને પણ ઈનામ મળશે. તેમણે કહ્યું કે, લઘુમતી યુવાઓને ઉદ્યમી સહાય કરવા માટે નક્કી વાર્ષિક બજેટ રપ કરોડથી વધારીને ૧૦૦ કરોડ કરી દેવાયું છે.