(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૮ નવેમ્બરે હજીરા ઘોઘા રો-પેક્ષ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે ત્યાં જ ટ્રાયલ દરમિયાન ફેરી મધદરિયે ખોટકાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
રો-પેક્ષ ફેરીના પ્રથમ દિવસે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર આ રો-પેક્ષથી સૌરાષ્ટ્રના લાખો લોકોની મુસાફરીનો અડધો સમય બચી જશે. અત્યાર સુધી રોડ માર્ગે ૧૦થી ૧ર કલાકની માર્ગ મુસાફરી કરવી હતી. પરંતુ રો-પેક્ષ સેવાને કારણે આ મુસાફરી માત્ર પાંચ કલાકમાં પૂર્ણ થઈ જશે.
બપોર સુધી ફેરી સર્વિસ ઊભી હોવાથી સોશિયલ મીડિયામાં અનેક મિમ્સ ફરતા થઈ ગયા હતા. ત્યારે આ અંગે વોયેઝ સિમ્ફિની શીપના સીઇઓ ડી.કે. મનરાલે ખુલાસા કરતા જણાવ્યું કે, ખરાબ વાતાવરણના કારણે ફેરીને મધદરિયે ઊભી રાખી છે.
સવારે ૧૧ કલાકે સુરત આવી પહોંચવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ બપોરે ત્રણ વાગ્યા સુધી પણ ફેરીના દર્શન દુર્લભ હોવાથી મીડિયા કર્મીઓએ સ્થળ પરથી ચાલતી પકડી હતી.
મધદરિયે કરંટ હોવાના બહાને હેઠળ હજીરા પોર્ટ પર રાહ જોઈ રહેલા કેન્દ્રીય મંત્રી અને મીડિયા કર્મચારીઓને કંપનીએ રીતસરના ઊઠા ભણાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સેવા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદમાં ઘેરાયેલી છે. પહેલાં દહેજથી પણ આ સેવાનો આરંભ થયો હતો. પરંતુ અનેકવાર સર્વિસ ખોટકાયા બાદ સૌરાષ્ટ્રની જનતાએ સર્વિસને નકારી કાઢી હતી.
Recent Comments