(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨
સુરતના ડિંડોલી વિસ્તારમાં સોમવારે મધરાત બાદ ઘરની બહાર ટોઇલેટમાં ગયેલી ૧૬ વર્ષીય તરૂણીનું મોઢું દબાવી સોસાયટીનો યુવાન નવા બંધાતા મકાનમાં લઇ ગયો હતો. જોકે, તરૂણીએ બુમાબુમ કરતા તેના માતાપિતા દોડી આવ્યા હતા અને તેને પકડી લીધો. પરંતુ યુવાન તરૂણીના પિતા ઉપર હુમલો કરી ફરાર થઇ ગયો હતો.સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવીની ૧૬ વર્ષીય પુત્રી ધો.૧૧ કોમર્સમાં અભ્યાસ કરે છે. સોમવારે મધરાત બાદ એક વાગ્યે તરૂણી ઘરની બહાર ટોઇલેટમાં ગઈ હતી. તે સમયે અગાઉથી જ ત્યાં છુપાયેલા તેમની જ સોસાયટીમાં પાછળની ગલીમાં રહેતા ૨૬ વર્ષીય શૈલેન્દ્ર ગંગારામ પ્રજાપતિએ તેનો હાથ પકડી મોઢું દબાવી દીધું હતું.તરૂણીએ બૂમો પાડતા શૈલેન્દ્ર તેને મકાનની બાજુમાં નવા બંધાતા મકાનમાં અંધારામાં લઇ ગયો હતો. જોકે, તરૂણીએ ફરી જોરથી બૂમો પાડતા તેના માતાપિતા ત્યાં દોડી આવ્યા હતા અને શૈલેન્દ્રને પકડી પાડી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.પરંતુ પોલીસ આવે તે પહેલા શૈલેન્દ્રએ તરૂણીના પિતાના મોઢા અને હાથ ઉપર માર માર્યો હતો અને બધાને જોઈ લઈશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે તરૂણીના પિતાએ આજે મળસ્કે શૈલેન્દ્ર વિરૂદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.