(એજન્સી) ઉજ્જૈન, તા.૯
ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઠ પોલીસનો હત્યારો કુખ્યાત વિકાસ દુબે તેના બે સાથીઓ સાથે ગુરૂવારે સવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી પકડાયો હતો. હાલ આ તમામ ઉજ્જૈનની પોલીસ કસ્ટડીમાં છે. વિકાસ દુબેના બે સાથીઓ બિટ્ટુ અને સુરેશ પણ મહાકાલ મંદિરમાંથી પકડાયા હતા. મંદિરમાં વીઆઈપી દરવાજાથી પ્રવેશ માટે વિકાસ દુબેએ રૂા.રપ૦ની રસીદ લીધી હતી. મંદિરના સલામતી કર્મચારીએ જણાવ્યું હતું કે, મંદિરમાં પ્રવેશ કરતી વખતે વિકાસ દુબે દેખાયો હતો. પોલીસ એલર્ટ હતી. અમે વિકાસ દુબેનો ફોટો જોયો હતો. જેથી મે તેની પૂછપરછ કરી હતી. અમે બે કલાક સુધી તેની પૂછપરછ કરી પોલીસને જાણ કરી હતી. તે એકલો હતો ત્યારે અમે તેને જોયો હતો. અમે વિચાર્યું હતું કે, તેની ગેંગના સભ્યો તેની સાથે હશે. વિકાસ દુબેને ઓળખી કાઢનારી આઠ સભ્યોની સુરક્ષા ટીમમાં સામેલ લખન યાદવે જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે તે દેખાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ દુબે પર પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.