(એજન્સી) ભોપાલ, તા. ૨૫
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે ટિ્‌વટ કરીને આ અગે જાણકારી આપી હતી. આ સાથે જ શિવરાજે એ તમામ લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે જેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા. પોઝિટિવ જણાયા બાદ શિવરાજે ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, મારા પ્રિય પ્રદેવાસીઓ, મને કોરોના વાયરસના લક્ષણો દેખાયા હતા, ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તમામ સાથીઓને અપીલ છે કે, જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કોરોનાનો ટેસ્ટ કરાવી લે. મારા નજીકના સંપર્કના લોકો ક્વોરન્ટાઇન થઇ ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે, હું કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. ડોક્ટરની સલાહ અનુસાર પોતાને ક્વોરન્ટાઇન કરીશ અને સારવાર કરાવીશ. મારી પ્રદેશની જનતાને અપીલ છે કે, થોડી પણ બેદરકારી કોરોનાને નિમંત્રણ આપે છે. શિવરાજે વધુ એક ટિ્‌વટમાં લખ્યું કે, કોરોનાની સમયસર સારવાર થાય તો વ્યક્તિ એકદમ સ્વસ્થ થઇ જાય છે. હું ૨૫ માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરૂં છું. જો શક્ય હશે તો વીડિયો કોન્ફરન્સિંગથી આ સમીક્ષા બેઠક કરવાનો પ્રયાસ કરીશ. મારી ગેરહાજરીમાં આ બેઠક ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, નગર વિકાસ તેમજ પ્રશાસન મંત્રી ભૂપેન્દ્રસિંહ, સ્વાસ્થ્ય શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ અને સ્વાસ્થ્ય મંત્રી પીઆર ચૌધરી કરશે. હું પોતે પણ સારવાર દરમિયાન કોરોના નિયંત્રણના દરેક સંભવ પ્રયાસ કરતો રહીશ.