(એજન્સી) ભોપાલ, તા. ૧૭
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનને પત્ર લખતા પોતાની નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું છે કે, ૪૦ વર્ષના લાંબા રાજકીય જીવનમાં હંમેશા સન્માન અને મર્યાદાનું પાલન કર્યું છે પરંતુ ૧૬મી માર્ચ ૨૦૨૦ના રોજ તમારો પત્ર વાંચ્યા બાદ હું દુઃખી છું. આ ઉરરાંત તેમણે રાજયપાલને અપીલ કરી છે કે, તેઓ બેંગલુરૂમાં કેદ કરાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને ભોપાલ પરત બોલાવે અને જો તેમના વિના ફ્લોર ટેસ્ટ થાય તો તે ગેરબંધારણીય ગણાશે. રાજ્યમાં રાજકીય ઘમસાણ મચ્યું છે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ મંગળવારે બેંગલુરૂમાંથી પત્રકાર પરિષદ કરીને કમલનાથ સરકાર પર આરોપો લગાવ્યા હતા. બીજી તરફ કમલનાથે રાજ્યપાલને લખેલા પત્રમાં ભાજપ પર કોંગ્રેસના ૧૬ ધારાસભ્યોને બંદી બનાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ અપીલ પણ કરી છે કે, તેઓ નિર્ણય લે અને કોંગ્રેસના ધારાસભ્યોને ત્યાંથી ભોપાલ બોલાવવામાં આવે. બીજી તરફ એક દિવસ પહેલા રાજ્યપાલે કમલનાથને લખેલા પત્રમાં કહ્યું હતું કે, જો તેઓ મંગળવારે ફ્લોર ટેસ્ટ ચૂકી જશે તો તેઓ સરકારને વિધાનસભામાં વિશ્વાસ ગુમાવ્યું હોવાનું જાહેર કરી શકે છે.