(એજન્સી) તા.રપ
મધ્યપ્રદેશમાં ચાનું વેચાણ કરનારની પુત્રી આંચલ ગંગવાલની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. એમણે ભારતીય વાયુસેનાની ફલાઈંગ બ્રાન્ચમાં સ્થાન મેળવ્યું છે. ર૪ વર્ષીય યુવતી આંચલ ગંગવાલની વાર્તા ખૂબ જ પ્રેરણા આપનાર છે. મધ્યપ્રદેશના બહુ જ ઓછા જાણીતા એવા નીમચ જિલ્લાની નિવાસી અને ખૂબ જ ઓછી સગવડો ધરાવતી હોવા છતાં એ પોતાનો લક્ષ્ય પૂર્ણ કરવામાં સફળ રહી છે. એમણે કહ્યું કે જ્યારે હું ૧રમાં ધોરણમાં ભણતી હતી ત્યારે ઉત્તરાખંડમાં પૂર આવ્યું હતું. તે વખતે સેનાની કામગીરી જોઈ હું ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને તે જ વખતે મેં સૈન્યમાં જોડાવા નિર્ણય કર્યો હતો પણ કુટુંબની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી મને મારું સ્વપ્ન પૂરું થવા દેખાતું ન હતું. પણ મેં હિંમત ધરી અને નોકરી કરી જેથી કુટુંબની નાણાકીય સ્થિતિમાં મદદગાર થઈ શકી. એ પછી મેં પોલીસ સબ ઈન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી અને ટ્રેનિંગમાં જોડાઈ. પોલીસ ટ્રેનિંગ દરમિયાન મારું મનોબળ ખૂબ જ વધ્યું હતું અને પોતાનો સ્વપ્ન પૂરું કરી શકીશ એવું જણાયું હતું. એ પછી આંચલે એરફોર્સની પ્રવેશ પરીક્ષા પસાર કરી. ૬ લાખ ઉમેદવારોમાંથી ફકત રર ઉમેદવારોની પસંદગી થવાની હતી જેમાં એ પાસ થઈ હતી. મધ્યપ્રદેશમાંથી એ એકલી જ હતી. એની સફળતાથી કુટુંબમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાને પણ એમને અભિનંદન આપ્યા હતા.
મધ્યપ્રદેશમાં ચાનું વેચાણ કરનારની પુત્રી આંચલ ગંગવાલને મળો, જે આઈએએફની ફલાઈંગ બ્રાન્ચમાં જોડાઈ રહી છે

Recent Comments