(એજન્સી) તા.૧૯
મધ્યપ્રદેશના કટની ખાતે કડક લોકડાઉન અમલમાં હોવા છતાં એક ધાર્મિક અને આધ્યાત્મિક ગુરૂની સ્મશાન યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકડાઉન કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ખુલ્લેઆમ ધજ્જિયા ઉડાવી હતી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન અંગે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ અંતિમ યાત્રામાં ફક્ત ૨૦ લોકોને જ જોડાવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ધાર્મિક ગુરૂની અંતિમ યાત્રામાં જોડાનારા લોકોમાં ભાજપને કોંગ્રેસ એમ બંને પક્ષના નેતાઓ તથા આશુતોષ રાણા જેવા સેલિબ્રિટિનો પણ સમાવેશ થતો હતો. હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હોવા છતાં જિલ્લા વહીવટીતંત્રએ તો વળી એવો દાવો કર્યો હતો કે, લોકડાઉનના કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી. દાદાજી તરીકે લોકપ્રિય બનેલા ૮૨ વર્ષીય પ્રભાકર શાસ્ત્રીનું કીડની અને ફેફસાની બીમારીથી રવિવારે નિધન થયું હતું, તે ઘણા સમયથી દિલ્હીમાં સારવાર લઈ રહ્યા હતા પરંતુ તેમની તબિયત ખુબ કથળી જતાં રાણા અને રાયના ભૂતપૂર્વ મંત્રી સંજય પાઠક દ્વારા મધ્યપ્રદેશ પરત લવાયા હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દાદાજીની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ચાલતા જોવા મળી રહ્યા હતા. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ થયો છે કે, નહીં તે અંગે એનડીટીવી દ્વારા ફોન ઉપર પ્રશ્ન પૂછાતા કટનીના જિલ્લા કલેક્ટર શશીભૂષણ સિંઘે કહ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગના કોઈ નિયમનું ઉલ્લંઘન થયું નહોતું. જો કે, તેમણે આટલો ટૂંકો ઉત્તર આપીને તરત ફોન કાપી નાંખ્યો હતો.
દાદાજીના નિધન અંગે શ્રદ્ધાંજલિ આપનારા લોકોમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિજય વર્ગિસ, મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંઘનો સમાવેશ થતો હતો.
મધ્યપ્રદેશમાં ધાર્મિક ગુરૂની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા : લોકડાઉનના નિયમોની ઐસીતૈસી

Recent Comments