(એજન્સી) મુંબઈ, તા.૧૨
શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં ગુરૂવારે જણાવાયું હતું કે, ભાજપને જે રીતે મહારાષ્ટ્રમાં ભારે શરમનો સામનો કરવો પડ્યો હતો તે રીતે મધ્યપ્રદેશમાં પણ ચતુરતામાં હારનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના વફાદાર ૨૨ ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપને મધ્યપ્રદેશમાં સત્તા પર આવવાની તક મળી છે જ્યારે સિંધિયા ભાજપમાં સામેલ થઇ ગયા છે. કોંગ્રેસની સરકાર અહીં લઘુમતીમાં આવી ગઇ છે અને મૂળ કોંગ્રેસી સ્પીકરે કહ્યું છે કે, રાજીનામું અને પદ છોડવાના ધારાસભ્યોના નિર્ણય અંગે વિચારણા કરવા માટે તેઓ ધારાસભ્યોને નોટિસ પાઠવશે. શિવસેનાએ પોતાના મુખપત્રમાં ભાજપને અવળી નદીમાં વહેતો હોવાનું ગણાવી ચેતવણી આપી હતી કે, તેણે મહારાષ્ટ્રમાં જે રીતે સેના આગેવાની કરી રહી છે તે રીતે તેને અહીં માત ખાવાનો વારો આવશે. શિવસેનાએ મુખ્યમંત્રી કમલનાથના અનુભવને ટાંકતા કહ્યું કે, તેઓ જુના અને જાણીતા રાજનેતા છે. ગયા વર્ષે શિવસેનાએ ભાજપ સાથેના વર્ષો જુના સંબંધો તોડીને કોંગ્રેસ તથા એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. ઘણા અઠવાડિયાના નાટકીય વળાંકો બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા. બીજી તરફ શિવસેનાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને જવા દેવા બદલ કોંગ્રેસની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, પાર્ટી ભગવાનની દયાથી ચાલી રહી છે. પાર્ટીએ સિંધિયાને જવા દેવા જોઇતા ન હતા. તેમની માગ એટલી મોટી ન હતી કે, પૂરી ના કરી શકાય.

“શરમ કરો મહારાજ” જ્યોતિરાદિત્ય સિંધિયાના પક્ષપલ્ટા
પર ઉશ્કેરાયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ આપ્યું નવું સૂત્ર

(એજન્સી) તા.૧૨
કોંગ્રેસ કાર્યકર્તાઓએ પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવા પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં બુધવારે સાંજે તેમની વિરૂદ્ધ “શરમ કરો મહારાજ”નું નવું સૂત્ર આપ્યું. કોંગ્રેસનું આ સૂત્ર મધ્યપ્રદેશના નવેમ્બર ર૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રમુખ ચૂંટણી સૂત્ર “માફ કરો મહારાજ, અમારા નેતા શિવરાજ”ની જેમ છે. ઈન્દોરની શહેર કોંગ્રેસ સમિતિની ઓફિસ “ગાંધી ભવન”ની સામે પાર્ટી કાર્યકર્તાઓએ સિંધિયાની વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરતાં પોતાના પૂર્વ નેતાની તસવીરવાળા બેનર સાથે પ્રદર્શન કર્યું. આ બેનર પર સૂત્ર લખ્યું હતું, “શરમ કરો મહારાજ” આ બેનર પર “ગદ્દાર” પણ લખ્યું હતું. વિરોધ પ્રદર્શન પછી કોંગ્રેસ કાર્યકર્તાઓએ સિંધિયાની તસવીરવાળા બેનરને આગ ચાંપી દીધી.

મધ્યપ્રદેશ કોંગ્રેસે સિંધિયાની મજાક ઉડાવતા વડાપ્રધાન મોદી અને શાહને કહ્યું, મહારાજ છે, હજુ ર૪ કલાક થયા નથી અને તમે લોકોએ અપમાન કરવાનું શરૂ કર્યું

(એજન્સી) ભોપાલ, તા.૧ર
ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલ જ્યોતિરાદિત્ય સિંધિયાની કોંગ્રેસે મજાક ઉડાવી હતી. કોંગ્રેસે કહ્યું કે ભાજપમાં તેમના સ્વાગત અંગે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે એક પણ ટ્‌વીટ કરી નથી. ર૪ કલાક થયા નથી. ત્યાં જ મહારાજનું અપમાન કરવાનું શરૂ કર્યું છે. કમસે કમ આટલી ઝડપથી આવું ન કરો. મહારાજ છે. જેમનો ઉલ્લેખ શિવરાજસિંહ વાંરવાર કરતા હતા. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અગાઉ મહારાજાને ગદ્દાર કહ્યા હતા. હવે ટ્‌વીટ કરી સિંધિયાજીનું સ્વાગત કરે છે. શિવરાજે જે શબ્દો લખ્યા હતા હતા તે શબ્દો લખી શકાય તેમ નથી. તે ઉચિત નથી. ટ્‌વીટ સાથે એક વીડિયો શેર કર્યો છે કે જે શિવરાજસિંહ ચૌહાણે સિંધિયા માટે ઉચ્ચારેલા શબ્દોનો છે. દરમ્યાન ભાજપમાં પ્રવેશ બાદ સિંધિયાએ અડધી રાત્રે ટવીટ કરી કહ્યું કે આ કેવળ મારી જીંદગીનો ટર્નિંગ પોઈન્ટ છે. તેમણે વડાપ્રધાન મોદી, અમિત શાહ, જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. મને મોદીજીના પ્રેરણાત્મક નેતૃત્વએ જનસેવા પ્રત્યે પ્રતિબદ્ધતા જાળવી રાખવાનો મોકો આપ્યો છે.
સિંધિયાના ભાજપમાં પ્રવેશથી મધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર સંકટના વાદળો છવાયા છે. રર કોંગી ધારાસભ્યોએ બગાવત કરી છે.