(એજન્સી) ભોપાલ, તા. ૨
ભાજપના ઉપાધ્યક્ષ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ જાતિય અસંતુલનને લઇને પાર્ટી નેતૃત્વ સમક્ષ સૈદ્ધાંતિક અસહમતી દર્શાવી છે અને માગ કરી છે કે, મંત્રીમંડળની યાદીને સંતુલિત કરવામાં આવે. સૂત્રોએ કહ્યું કે, ઉમા ભારતીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સંદેશ મોકલીને રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણમાં સૈદ્ધાંતિક મુદ્દાઓ પર ઘેરો વાંધો ઉઠાવ્યો છે. ઉમા ભારતીએ પોતાના સંદેશમાં લખ્યું છે કે, મને મધ્યપ્રદેશ મંત્રીમંડળ વિસ્તરણની જે જાણકારી મળી રહી છે તે અનુસાર પ્રસ્તાવિક મંત્રીમંડળ વિસ્તરણમાં જાતિ સમીકરણ બગડી રહ્યું છે જેનું મને દુઃખ છે. મંત્રીમંડળની રચનામાં મારા સૂચનોની સંપૂર્ણ અવગણના કરવી એ બધાનું અપમાન છે જેની સાથે હું જોડાઇ છું. જેથી મારા સૂચનો અનુસાર પાર્ટી યાદીમાં સંશોધન કરે. જોકે, બાદમાં ઉમા ભારતીનું લખનઉમાં સંપર્ક કરવામાં આવ્યું ત્યારે તેમણે કાંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે આ બાબતનું ખંડન પણ કર્યું ન હતું અને પુષ્ટી પણ આપી ન હતી. તેઓ રામજન્મભૂમિ કેસમાં સીબીઆઇની અદાલતમાં હાજર થવા લખનઉ ગયા છે.