(એજન્સી) ભોપાલ, તા.૮
મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના વહીવટી તંત્રે સોમવારે એક ખાનગી હોસ્પિટલને સીલ કરી દીધી હતી અને તબીબી બિલની ચૂકવણી નહીં કરવાના મામલે વૃદ્ધ દર્દીને હોસ્પિટલના પલંગ પર બાંધી દેવામાં આવી હોવાના બનાવ સંદર્ભે તેના વહીવટીતંત્ર સામે એફઆઈઆર નોંધાવી હતી. શનિવારે સોશિયલ મીડિયામાં પથારી સાથે હાથ પગ બાંધેલ સૂતેલા વૃદ્ધનો ફોટો વાયરલ થયો હતો. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મીડિયા અહેવાલો પર ધ્યાન લીધા બાદ શાજાપુર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દિનેશ જૈને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. સોમવારે એડીએમની આગેવાની હેઠળની સમિતિએ કલેક્ટરને રિપોર્ટ આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, તેને ખાનગી હોસ્પિટલના વર્તનમાં ગેરરીતિઓ જોવા મળી હતી. ત્યારબાદ ખાનગી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી હતી અને સ્થાનિક કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. દરમિયાન ખાનગી હોસ્પિટલના ડિરેક્ટર ડૉ.વરૂણ બજાજે મીડિયાને જણાવ્યું હતું કે, દર્દીને રજા આપવામાં આવી છે અને પૈસા લેવામાં આવ્યા નથી. “દર્દીને આંતરડાની તકલીફ થઈ રહી હતી અને દવાનું વહન કરવા માટે, તેના પગ પથારી સાથે બાંધી દેવામાં આવ્યા હતા, જ્યારે તેના હાથ તેના પરિવાર દ્વારા પકડેલા હતા,” ડૉ.બજાજે દાવો કર્યો હતો.