(એજન્સી) છત્તીસગઢ, તા.૨૩
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન મુસાફરી કરવા માટે મધ્યપ્રદેશના ધારસભ્યોના ઓળખ પત્રને જ ઈ-પાસ તરીકે માન્યતા આપવામાં આવશે. પ્રદેશની સરકારના એક અધિકારીએ શનિવારે જણાવ્યું કે, રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે, ધારાસભ્યો માટે વિધાનસભા દ્વારા જારી કરવામાં આવેલા ઓળખ પત્રને જ ઈ-પાસ માનવામાં આવશે. વિધાનસભાના સભ્ય જો પોતાના નિવાસ સ્થાનેથી પોતાના વિધાનસભાના ક્ષેત્ર અથવા જિલ્લા તેમજ બેઠકોમાં આવવા-જવા ઈચ્છે છે, ભલે પછી તે રેડ ઝોન ધરાવતો જિલ્લો કેમ ન હોય, તો પણ તેમના માટે વિધાનસભા દ્વારા જારી કરવામાં આવેલા ઓળખ પત્રને જ ઈ-પાસ માનવામાં આવશે. વિધાનસભાના સભ્યો માટે ઈ-પાસની અલગથી કોઈ જરૂરિયાત નથી. મુખ્ય સચિવ તેમજ પ્રદેશ નિયંત્રણ કક્ષના પ્રભારી આઈસીપી કેશરીએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નિર્દેશ હેઠળ આ અંગે પરિપત્ર જારી કર્યો છે, કે જે પરિવહન વિભાગ તેમજ તમામ વિભાગના કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ્‌સ અને પોલીસ અધિક્ષકને મોકલવામાં આવ્યો છે.